પત્ની તથા દીકરાને સારું કરી દઈ કરોડપતી બનાવી દેવાની લાલચ આપી ત્રણ સાધુ, ડ્રાઇવર અને અજાણ્યા શખ્સોએ આચરી ઠગાઈ

જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા વૃધ્ધ ખેડૂત સાથે ત્રણ સાધુ તથા ડ્રાઇવરે વૃધ્ધના પત્ની તથા દીકરાની બીમારી દૂર કરવાનું બહાનું તથા કરોડો રૂપિયા બનાવી દેવાનો વિશ્વાસ અપાવી રૂ. 87 લાખની રોકડ તેમજ દાગીના મળી કુલ રૂ. 1.28 કરોડની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે ત્રણ સાધુ, ડ્રાઇવર તથા જુદી જુદી જગ્યાએ અજાણ્યા માણસો રૂપિયા લેવા આવતા શખ્સોને ઝડપી લઈ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામજોધપુરના ગીંગણી ગામે રહેતા ખેડૂત રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયા નામના 67 વર્ષના વૃધ્ધ ગત તા. 9ના ભાગીદાર શંકરભાઇ લક્ષ્મણભાઈ નિનામા સાથે ગીંગણી ગામમાં બેઠા હોય ત્યારે એક બોલેરોમાં ત્રણ સાધુઓ ત્યાં આવ્યા અને રમેશભાઈને તેની પાસે બોલાવી લીમડાનું દાંતણ કાપવાનું કહ્યું બાદમાં શંકરભાઈ તથા રમેશભાઈએ દાંતણ કાપીને સાધુને આપવા ગયા ત્યારે એક સાધુએ નીચે ઉતરીને કહ્યું ગુરુ મહારાજને પગે લાગી આશીર્વાદ લઈ લે અને રમેશભાઈ પગે લાગ્યા બાદ સાધુએ રુદ્રાક્ષમાં ફૂંક મારી દુઃખ દર્દ દૂર થાય તેવા આશીર્વાદ આપી ઘરે ચા પીવા અને જમવા માટે એવું છે.

બાદમાં ત્રણ સાધુઓ અને ડ્રાઇવરને ઘરે લઈ ગયા બાદ રમેશભાઈની પત્નીએ મહારાજના આશીર્વાદ લીધા બાદમાં જમવાનું કહેતા અમારે ઉતાવળ છે અને અમે ભંડારાના ફાળા માટે નીકળ્યા છીએ તેમ કહી ગુરુ મહારાજે મારી પત્નીને 500ની નોટ આપી ઉપર સાથીયો કરીને ચુંદડીમાં વીંટી તિજોરીમાં મુકવાનું કહ્યું હતું. દરમિયાન રમેશભાઈની પત્નીએ તેને પોતાને શરીરમાં તકલીફ છે અને દીકરા કલ્પેશની તકલીફ જણાવી તો મોટા ગુરુદેવને મળાવીશું અને બધી તકલીફો દૂર થઈ જશે અને ઘરમાં કરોડો રૂપિયા આવશે અને અત્યારે ભંડારાનો ફાળો રૂ. 51,000 આપો અને ઘરમાં રોકડ ન હોય તેથી રમેશભાઈ શંકરભાઈ સાથે બેંકમાં રૂપિયા લેવા જતા હતા ત્યારે બે સાધુ બોલેરોમાં બેંકે સાથે આવ્યા અને રમેશભાઈએ રૂ. 51,000 ઉપાડી ગુરુ મહારાજને આપ્યા અને મોટા ગુરુ સાથે વાત કરાવીશ તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા.

ત્યારબાદ તે જ દિવસે સાંજે સાધુનો ફોન આવ્યો અને તમારા રૂપિયામાંથી ભંડારાનો સામાન ખરીદ થઈ ગયો છે અને ફોન મૂકી દીધો હતો, બાદમાં ગત તા. 11ના સવારે નવથી દસ વાગ્યાની વચ્ચે સાધુનો ફોન આવ્યો અને કહ્યું કે તમારા પત્નીને અને દીકરાને સારું થઈ જશે અમે કહી એટલું કરો અને પૂજાનો સામાન મંગાવ્યો બાદમાં રમેશભાઈના પત્ની કુસુમબેન જામજોધપુર જઈ પૂજાનો સામાન લઇ આવ્યા અને ગુરુ મહારાજને ફોન કર્યો ત્યારે તેમણે કહેલું કે ઘરના એક ખુણામાં બેસી જાવ અને ગુરુ મહારાજના કહેવા મુજબ ઘરમાં બેસીને પૂજા કરી અને બાદમાં પૂજાનો સામાન લાલ કપડામાં બંધાવી સાંજે પાંચ વાગ્યે ફોન આવ્યો કે પૂજાની પોટલી લઈને ઉપલેટા બાજુ આવો અને ગુરુ મહારાજના કહેવા મુજબ પૂજાની પોટલી લઈ મોટરસાયકલ પર ઉપલેટા બાજુ જવા નીકળ્યો અને તેમના કહેવા મુજબ દસ કિલોમીટરે તેમને ફોન કરતો હતો અને પીઠડીયા ટોલનાકા પહોંચ્યા બાદ ત્યાંથી ઈન્ડીકેટર ચાલુ કરાવી ડાબી સાઈડ આવવાનું કહેતા ગોંડલ રોડ પર બોલેરોમાં ઘરે આવેલ સાધુ મળ્યો અને બંનેએ હોટલ પર ચા પીધી બાદમાં ફરી પીઠડીયા ટોલનાકા તરફ લઈ ગયા અને કાચા રસ્તે ચલાવી આગળ બે સાધુ બેઠા હતા અને તેમનો પરિચય મોટા ગુરુદેવ તરીકે કરાવ્યો અને બાદમાં ત્યાં રૂ. 100, 200, 500, 2000ની નોટોનો ઢગલો હતો અને આ રૂપિયા કરોડ હોવાનું સાધુએ જણાવ્યું અને આ રૂપિયા મારી પાસે પડેલ પતરાની પેટીમાં નખાવ્યા અને બાદમાં થોડા દૂર મોકલી એક સાધુએ કહ્યું કે ગુરુ મહારાજ પાસે માંગો એટલા રૂપિયા તમને આપી દેશે બાદમાં રમેશભાઈએ કહ્યું મારે રૂપિયા જોતા નથી મને અહીંયા દવા માટે બોલાવેલ છે.

આવી રીતે રમેશભાઈને અલગ અલગ નુસખા અપનાવી રૂપિયા ભરેલી પેટી ધરારથી મોટરસાયકલ પાછળ બાંધી ઘરે લઈ જવાનું કહ્યું અને ઘરે પહોંચ્યા બાદ આ પેટી કબાટમાં મૂકી દેવાનું કહ્યું હતું અને અગરબત્તી કરવાનું કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે સાધુનો ફોન આવ્યો અને કહ્યું કે પત્ની અને દીકરાની વિધિ તથા પેટીમાં પડેલ રૂપિયાની વિધિ કરવા પૂજા કરવી જોશે અને પૂજામાં ખર્ચો વધારે થશે તમે રૂ. 21,00,000ની સગવળ કરો બાદમાં રમેશભાઈએ રૂ. 21,00,000ની સગવળ કરી તેમાંથી રૂ. 10 લાખ મંગાવ્યા અને સાપર વેરાવળ આગળ એક માણસને આપેલા અને તેના બીજા દિવસે રૂ. 11 લાખમાંથી લીંમડી પુલ પર બપોરે એક વ્યક્તિને રૂ. 5 લાખ આપ્યા અને આમ કટકે કટકે રોકડ રૂ. 87,14,000 અને આશરે 83 તોલા સોનુ જેની કિંમત રૂ. 41,57,500 કુલ મળી રૂ. 1,28,71,500 વિશ્વાસમાં લઇ છેતરપીંડી આચરી અને જાનથી મારી નાખવાની ધમકી સબબ રમેશભાઈએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુ, ડ્રાઇવર અને અજણયા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 406, 420, 394, 120-બી અને 506 (2) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પીઆઈ એમ.એન. ચૌહાણ ચલાવી રહ્યા છે.