એ.સી.બી. પોલીસનું સફળ ઓપરેશન

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)
ખંભાળિયા શહેરમાં ગઈકાલે એ.સી.બી. પોલીસે લાંચ રૂશ્વત અંગેની કાર્યવાહી કરી, ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિદેવને મોટી રકમની લાંચ લેતા દબોચી લીધો હતો. તેની સાથે અન્ય એક શખ્સ પણ ઝડપાઈ ગયો હતો.
આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા શહેર નજીક આવેલી એક ગ્રામ પંચાયતમાં કોઈ કામ અર્થે એક આસામી પાસે ગ્રામ પંચાયતના મહિલા સરપંચે છ આંકડાની તોતિંગ રકમની માંગણી કરી હતી. આ આસામી તથા સરપંચ પતિ વચ્ચે થયેલા સોદામાં રકઝક અંતે થોડી રકમ ઓછી કરી, છ આંકડાની રકમ લાંચ સ્વરૂપે આપવાનું નક્કી થયું હતું.
આથી આસામી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેમના દ્વારા શહેરમાં છટકું ગોઠવી, સરપંચના પતિને તોતિંગ રોકડ રકમ સાથે દબોચી લેવામાં આવ્યો હતો. આટલું જ નહીં, સરપંચના પતિ સાથે અન્ય એક શખ્સને પણ પોલીસે ઝડપી લીધો હતો. આ અંગેની કાર્યવાહી મોડી રાત્રી સુધી ચાલુ રહી હતી. આ સમગ્ર પ્રકરણ હાલ ટોક ઓફ ટાઉન બની રહ્યું છે.