ડી સ્ટાફના બે કર્મીઓ વાહન ડિટેઇન કરી વારંવાર માર મારતા હોવાનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના દ્વારે ઝેરી દવા પી લીધી હતી અને તેનો વિડીયો બનાવ્યો હતો. સીટી સી ડિવિઝન ડી સ્ટાફના બે પોલીસ કર્મીઓના ત્રાસના કારણે પોતે દવા પી રહ્યો હોવાનું જણાવી ઝેરી દવા પીધી હતી. બાદમાં આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અર્જુન રમેશભાઈ રાઠોડ નામના યુવાને ગઈકાલે મોડી રાત્રે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના દ્વારે દવા પી લીધી હતી. અને તેનો વિડીયો બનાવ્યો હતો, દરમિયાન તેને ઝેરી દવાની વિપરીત અસર થતા ઉલ્ટીઓ થવા લાગી હતી. 108માં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેની હાલત સુધારા પર હોવાનું તબીબો દ્વારા જણાવાયું હતું. 

આ યુવાને જણાવ્યું હતું કે મને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના ખીમભાઈ અને જાવેદભાઈ નામના બે પોલીસ કર્મચારીઓ વારંવાર ઉપાડી જાય છે અને હેરાન કરે છે. ગઈકાલે પણ મને કોઈપણ કારણ વગર ઉપાડી ગયા હતા અને 24 કલાક પુરી રાખ્યો હતો બાદમાં છોડ્યાના એક કલાક બાદ ફરીથી મને ઉપાડી લીધો હતો અને મને પોલીસ મથકે લઈ આવ્યા પછી મારુ વાહન ડિટેઇન કરી લીધું હતું. જેનો કોઈપણ મેમો મને આપેલો નથી અને મને પાછો જવા દીધો હતો. એટલું જ નહીં મને હાથમાં અને પગમાં પટ્ટા માર્યા છે જયારે ગુપ્ત ભાગમાં વીજ શોક આપ્યા છે, તેવો આક્ષેપ પણ કર્યો હતો જેના કારણે પોતે કંટાળીને ઝેરી દવા પી રહ્યો છે તેવું જણાવ્યું હતું, આ ઘટનાની જાણ થવાથી અન્ય પોલીસ અધિકારી દ્વારા સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.