જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં રહેતી યુવતીએ એક વર્ષ પહેલા જામનગરના જ યુવાન સાથે લવ મેરેજ કર્યા હતા બાદમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા યુવતી પીયર આવતા રહ્યા બાદ ગઈકાલે યુવાને તેના ભાઈ તથા મિત્ર સાથે યુવતીના ઘરે ઘસી જઈ મારી નાખવાની ધમકી આપી મારામારી કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા શહેરભરમાં ભારે ચકચાર જાગી છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોની 11 નંબરમાં રહેતા અને શેરબજારનો ધંધો કરતા ધવલ દિનેશભાઈ સોલાણી નામના યુવાન સાથે શહેરના ભાટની આંબલી વિસ્તારમાં રહેતી હર્ષા ભરતભાઈ ભઠીજાણી નામની યુવતીએ એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. ડિસેમ્બર મહિનામાં પતિ-પત્ની દુબઈ ફરવા ગયા હતા.દુબઈમાં સ્થિત હોટલમાં પત્ની હર્ષાએ પતિ ધવલનો મોબાઈલ ફોન ચેક કરતા ધવલના અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાની જાણ થતા પતિ – પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો અને હર્ષા એકલી દુબઈથી જામનગર પરત આવી પોતાના માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી અને છેલ્લા ચાર મહિનાથી પિયરમાં જ રહેતી હતી.
જે વાતને લઈ ગત રાત્રે પતિ ધવલ સોલાણી તેના ભાઈ અને મિત્રો સાથે યુવતીના ઘરે જઈ ઉગ્ર ભાષામાં પાછી ઘરે આવવા માટે ઝઘડો કર્યો હતો અને હર્ષાને માર માર્યો હતો યુવતિના માતા-પિતા અને ભાઈ વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી હતી. અચાનક બૂમાબૂમ થતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને શાંતિથી મામલો થાળે પાડવા કોશિશ કરી હતી. ધવલ અને તેના મિત્રો ધમાલ મચાવીને હર્ષાના પરિવારને માર જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપ સાથે યુવતીનો પરિવાર રાત્રે પોલીસ મથકે પહોંચ્યો હતો અને ધવલ અને તેની સાથે આવેલા વિરુદ્ધ અરજી કરી હતી. યુવતિના પરિવાર અને પાડોશીઓએ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા શહેરભરમાં ચર્ચા જાગી છે.
0 Comments
Post a Comment