કલેક્ટર બી. એ. શાહની અધ્યક્ષતા હેઠળ જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરાઇ: જામનગર જિલ્લામાં ૮૦ શાળા અને કોલેજોમાં ૨૬,૮૮૨ ઉમેદવારો પરીક્ષા આપશે 

જામનગર મોર્નિંગ - જામનગર

એપ્રિલ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૦૯ એપ્રીલના જુનિયર ક્લાર્ક પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષાના સુચારૂ આયોજન માટે કલેક્ટર બી. એ. શાહના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, જિલ્લા શિક્ષણાધિકારી સાથેની જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. જામનગર શહેરના તથા તાલુકાના મળીને કુલ ૮૦ શાળા અને કોલેજોના ૯૫ યુનિટના ૮૯૭ વર્ગ ખંડોમાં કુલ ૨૬,૮૮૨ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. આ પરીક્ષા માટે પરીક્ષા કેંદ્રો ઉપર કેંદ્ર સંચાલક, સુપરવાઈઝર, ઈન્વિજીલેટર, ક્લાર્ક, પટાવાળા તરીકે ૧૯૪૮ સ્ટાફ ફરજ બજાવશે. તેમજ દરેક કેંદ્ર ઉપર બોર્ડ પ્રતિનીધિ, સીસીટીવી ઓબ્ઝર્વર અને સીસીટીવી સંચાલક તરીકે ૩૦૦થી વધુ સ્ટાફને મૂકેલ છે. 

પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિના થાય તે માટે ડાયરેક્ટર ડીઆરડીએને મુખ્ય ઓબ્ઝર્વર તરીકે અને ૦૬ તાલુકાના મામલતદારોને તાલુકા ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરેલ છે. ઉપરાંત ૧૭ ફ્લાઈંગ સ્ક્વોર્ડ બનાવેલ છે જેમાં મહેસૂલ, પંચાયત સહીત અન્ય વિભાગના વર્ગ-૧/૨ કક્ષાના ૧૭ અધિકારી અને ૩૪ કર્મચારીઓ અને હથીયારધારી પોલીસ મૂકેલ છે. જેઓ તમામ પરીક્ષા કેંદ્રો ઉપર ચાંપતી નજર રાખશે. તમામ પરીક્ષા કેંદ્રો સીસીટીવીથી સજ્જ રાખવામાં આવેલ છે. ઉપરાંત પરીક્ષાલક્ષી તમામ કામગીરી સીસીટીવી/ વિડીયોગ્રાફી સર્વેલન્સ હેઠળ કરવામાં આવનાર છે. 

પરીક્ષાલક્ષી સીલબંધ સાહિત્ય જિલ્લા મથકે હથીયારધારી પોલીસ / એસઆરપીની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. આ સાહિત્યને પરીક્ષા કેંદ્રો સુધી પહોંચાડવા માટે ૩૧ રૂટ તૈયાર કરેલ છે. જેમાં વર્ગ-૧/૨ કક્ષાના અધિકારી સાથે એક આસીસ્ટંટ, હથીયારધારી પોલીસ અને વિડીયોગ્રાફર મુકેલ છે. પરીક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવણી માટે એસ.પી.ના નેતૃત્વ હેઠળ ૦૩ ડીવાયએસપી, ૨૪ પીઆઈ-પીએસઆઈ, પરીક્ષા કેંદ્રો ઉપર ઉમેદવારોની ચકાસણી અને કેંદ્ર બહાર બંદોબસ્ત તથા પેટ્રોલીંગ માટે ૪૯૪ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહીલા કોન્સ્ટેબલ અને ૧૬૦ હોમગાર્ડ-ટીઆરબી મળીને કુલ ૬૮૨ પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. 

ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે અનઅધિકૃત સાહિત્ય લઈ જવા ઉપર પ્રતિબંધ, પરીક્ષા કેંદ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા, પરીક્ષા કેંદ્રની આસપાસ એકઠા થવા ઉપર પ્રતિબંધ, ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ માટેના જાહેરનામા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વીજ વિભાગને સુચના આપેલ છે અને અન્ય જિલ્લાના ઉમેદવારોને જામનગર મુકામે પરીક્ષા કેંદ્ર સુધી પહોંચવામાં અને પરત જવામાં કોઈ અગવડ ના પડે તે માટે એસ.ટી. વિભાગને વધારાની બસો ગોઠવવા સુચના આપેલ છે. તમામ પરીક્ષા સ્ટાફને જિલ્લા મથકે તા.૩૧ માર્ચના રોજ સઘન તાલીમ આપવામાં આવી તેમજ તા.૦૬ અપ્રિલના રોજ સમગ્ર રાજ્યમાં બાયસેગના માધ્યમથી ઓનલાઈન સંયુક્ત તાલીમ આપવામાં આવનાર છે. 

તા.૩૧ માર્ચથી લઈને પરીક્ષા દિવસ તા.૦૯ એપ્રિલ સુધી જિલ્લા પંચાયત મથક ઉપર હેલ્પ લાઈન સેન્ટર નં. 0288-2672466 શરૂ કરેલ છે. જેના થકી ઉમેદવારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.  જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મહેસૂલ, પંચાયત અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે સજ્જ થયેલ છે અને જિલ્લા કક્ષાએથી પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવેલ છે. આ તકે ઉમેદવારોને કોઈ અનધિકૃત વ્યક્તિઓ પાસેથી પરીક્ષાલક્ષી સાહિત્ય નહીં મેળવવા તાકીદ કરવામાં આવે છે તેમજ રાજ્ય સરકાર દ્વારા આવી ગેરરીતિઓ માટે કડક કાયદો પણ ઘડવામાં આવ્યો છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ 100 મીટરના વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ

9 એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષા શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પરીક્ષા કેન્દ્રોના આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈ વ્યક્તિને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.  તા.9ના બપોરના 12:00 કલાકથી 14:00 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઈ વ્યક્તિએ પ્રવેશ કરવો નહી. આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, ફરજ ઉપર હોય તેવા અધિકારી કે કર્મચારીને, પરિક્ષાર્થીને, પરીક્ષા કેન્દ્ર ઉપર ફરજ પર હોય તેવા શૈક્ષણિક સ્ટાફને, પોલીસ વિભાગ, ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળે અધિકૃત કરેલ અધિકારીને પરવાનગી આપેલ હોય તે વ્યક્તિને લાગુ પડશે નહિ. ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 હેઠળ સજાને પાત્ર થશે.