અજાણ્યા મોબાઈલ ધારક સામે નકલી પોલીસ બની લેપટોપ ખરીદવાનો કારસો રચવા અંગે ગુનો  નોંધાયો

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં એસ.ઓ.જી. ના પોલીસ સ્ટાફની ઓળખ આપીને મોબાઈલ ફોન મારફતે કોમ્પ્યુટરના એક વેપારી પાસેથી બે લેપટોપ ખરીદવાનો કારસો રચવામાં આવ્યો હતો, પરંતુ વેપારીને શંકા જતાં તપાસ કર્યા પછી નકલી પોલીસ નું આ કરતુત હોવાનું ધ્યાનમાં આવતાં અજાણ્યા મોબાઇલ ધારક સામે છેતરપિંડીનો પ્રયાસ કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં તિરુપતિ પાર્ક-૧ બેડી રિંગ રોડ પર રહેતા અને કોમ્પ્યુટરની લે-વેચનો વ્યવસાય કરતા હિતેશભાઈ તેજાભાઈ ચૌહાણએ પોતાની સાથે મોબાઈલ ફોન પર એસ.ઓ.જી.ના સ્ટાફ તરીકેની ઓળખ આપી બે લેપટોપ ખરીદવાનો પ્રયાસ કરવા અંગેની ફરિયાદ મહેશ જાડેજા ના નામની ઓળખ આપનાર અજાણ્યા શખ્સ સામે નોંધાવાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી હિતેશભાઈ ચૌહાણને તાજેતરમાં ૭૯૮૪૭૩૫૮૫૮  મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો, અને પોતાનું નામ મહેશ જાડેજા અને એસ.ઓ.જી.માં ફરજ બજાવે છે, અને બે એપલ કંપનીના લેપટોપ ખરીદવાના છે, તેમ કહી લેપટોપની માંગણી કરી હતી. જેથી ફરિયાદીને થોડી શંકા જતાં જામનગરની એસ.ઓ.જી. શાખામાં જઈને પૂછપરછ કરી હતી. દરમિયાન મહેશ જાડેજા નામની કોઈ વ્યક્તિ પોલીસમાં ફરજ બજાવતી ન હોવાનું, અને એસોજી શાખામાં કોઈ લેપટોપની જરૂરિયાત પણ ન હોવાનું જણાવ્યું હતું.

જેથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પોતાની પાસેથી લેપટોપની ખરીદી કરીને પાછળથી સરકારમાંથી પૈસા આવી જશે, ત્યારે જમા કરાવી દેવાનું બહાનું બતાવીને છેતરપિંડી નો કારસો રચવામાં આવ્યો હતો. જેથી આ મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે મહેશ જાડેજા નામ ધરાવનાર -૭૯૮૪૭૩૫૮૫૮  નંબરના મોબાઈલ ધારક ની શોધખોળ શરૂ કરી છે જેની સામે છેતરપિંડી નો પ્રયાસ કરવા  સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.