જામનગર સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલઈડી કૌભાંડમાં અનેક કડાકા ભડાકા થવાની શક્યતા
જામનગર જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ હેઠળની ઇલેક્ટ્રીક શાખાની ઓફિસમાંથી સંખ્યાબંધ ફાઇલોની ચોરી અંગેનો મામલો સામે આવતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાના આદેશો કરાયા પછી આખરે બુધવારે મોડી સાંજે ફાઈલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, અને જિલ્લા પંચાયતમાં જ ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડ થયેલા કર્મચારી સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. બાદમાં બીજા દિવસે તે કર્મચારીનું વધુ એક કરતૂત સામે આવ્યું છે. ધ્રોલ તાલુકા પંચાયતની કચેરીમાં અધિકારીઓની સહી કરી નાખી રૂપિયા ૮.૭૯ લાખનું ચુકવણું કરી નાંખયાનું સામે આવ્યું હતું.
જામનગર જિલ્લા પંચાયતની કચેરીમાં બાંધકામ શાખા હેઠળની ઇલેક્ટ્રીક શાખાની કચેરીમાંથી આશરે અઢી મહિના પહેલાં ફાઈલો રજીસ્ટર વગેરેની ચોરી થઈ ગઈ હતી. ગત સપ્તાહે જરૂરી ફાઈન અંગેની ઉચ્ચ અધિકારી દ્વારા માંગણી કરવામાં આવતાં આ પ્રકરણ સામે આવ્યું હતું, અને ફાઈલ ચોરી અંગેનો મામલો જિલ્લા વિકાસ અધિકારી વિકાસ ભારદ્વાજ સુધી પહોંચ્યો હતો. જેમણે તુરંત જ ખાતાકીય તપાસનો આદેશ કર્યા પછી આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા માટેનો હુકમ કર્યો હતો. તે હુકમના અનુસંધાને જામનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જયવીરસિંહ પ્રવિણસિંહ ચુડાસમા દ્વારા જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફાઈલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.
જેમાં આરોપી તરીકે જિલ્લા પંચાયતની બાંધકામ વિભાગની કચેરીમાં ઇલેટ્રીશિયન તરીકે ફરજ બજાવતા હરિસિંહના પ્રતાપસિંહ ગોહિલ અને તેની સાથેના મળતીયાઓ વગેરે સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપી કર્મચારી કે જેને થોડા સમય પહેલાં ફાઇલોમાં ખોટી સહી કરવાના મામલે સસ્પેન્ડ કરી દેવાયો હતો. જે સસ્પેન્ડ થયેલા કર્મચારી દ્વારા જ જિલ્લા પંચાયતની કચેરીમાં અઢી મહિના પહેલા રાત્રિના સમયે પ્રવેશ કરી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર લઈને આવ્યો હતો, અને તમામ ફાઈલોની ચોરી કરી ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયો હોવાનું જાહેર કરાયું છે. જે તે વખતે જિલ્લા પંચાયતના પટાવાળાના નિવેદનમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેણે અંદાજે બાંધકામ શાખાના ઈલેક્ટ્રીક વિભાગની કુલ ૧૫૮૨ નંગ ફાઈલો તેમજ ૨૨૦ નંગ રજીસ્ટર વગેરેની ચોરી કરી લઈ ગયાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે સમગ્ર મામલે સીટી એ. ડિવિઝનના પીએસઆઈ બી.એસ. વાળા દ્વારા આઈપીસી કલમ ૩૮૧ અને ૪૫૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
દરમિયાન આરોપી હરિસિંહ ગોહિલ સામેનો વધુ એક કરતુત સામે આવ્યું હતું. ધ્રોલ તાલુકા પંચાયતની કચેરીમાં તારીખ ૧.૧.૨૦૨૧ થી ૩૧.૧.૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન તેણે તાલુકા પંચાયતની કચેરીમાં જુદા જુદા ગામો જેમાં ખેંગારકા, હમાપર, દેડકદડ, જાલિયા માનસર, વગેરે ગામોના સ્ટ્રીટ લાઈટના કામ માટેનું સર્ટિફિકેટ આપવા માટે નાયન કાર્યપાલક ઈજનેર ની બનાવટી સહી કરી અને સિક્કા બનાવી દીધા હતા. જેના આધારે કંપલીશન સર્ટીફીકેટ તૈયાર કરી લઇ રૂપિયા ૮,૭૯,૮૩૨નું ચુકવણું કરી નાખ્યું હતું. જે સમગ્ર મામલો સામે આવ્યા પછી ધ્રોલ તાલુકા પંચાયતની કચેરીમાં ફરજ બજાવતા કૌશલ કુમાર ભીમજીભાઈ છૈયા એ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે આરોપી હરિસિંહ ગોહિલ સામે ગુન્હો નોંધ્યો હતો.
આ ફરિયાદના અનુસંધાને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એસઆઈટીની રચના કરી હતી અને સીટી એ ડિવિઝનમાં આ પ્રકરણની તપાસ ચાલી રહી હતી. અને પોલીસ દ્વારા બાંધકામ શાખાના મુખ્ય અધિકારી સહિત કુલ છ કર્મચારીઓના પોલીસ દ્વારા નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
ત્યારબાદ ખંભાળિયા તાલુકા પંચાયત હેઠળ આવતા જુદા જુદા 20 ગામોમાં એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ કામોની મંજૂરી તથા ચુકવણા અંગેના બોગસ દસ્તાવેજો તૈયાર કરી તેના ઉપર સહી-સિક્કાઓ કરી, રૂપિયા 68.34 લાખના કામોની મંજૂરી કરી સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવા સબબ જામનગર પંચાયતના ઈલેક્ટ્રીક શાખાના ઇલેક્ટ્રિશિયન સામે વધુ એક પોલીસ ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાઈ હતી.
જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમમાં ડીવાયએસપી ડી.પી. વાઘેલા, એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, સીટી એ ડિવિઝન પીઆઈ એન.એ. ચાવડા, જોડીયાના પીએસઆઈ આર.ડી. ગોહિલ, એલસીબી શાખાના એએસઆઈ ભરતભાઈ પટેલ, જોડીયા પોલીસ સ્ટેશનના સંજયભાઈ મકવાણા અને સીટી એ ડિવિઝન પોલીસના વિનયભાઈ ઝાલાને રાખવામાં આવ્યા હતા. બાદમાં નવાગામ ઘેડમાં રહેતો હરિસિંહ પ્રતાપસિંહ ગોહિલ નામનો શખ્સ રાજકોટમાં માધાપર ચોકડી પાસે ઉભો હોય તેવી બાતમી સીટી એ ડિવિઝનના પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને વિક્રમસિંહ જાડેજાને મળતા રાજકોટ ખાતેથી ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.
આ પ્રકરણમાં જામનગર સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલઈડી કૌભાંડમાં અનેક ધડાકાઓ થવાની સંભાવના સેવાઈ રહી છે.
0 Comments
Post a Comment