ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મકાન માલિક સહિત ૮ પત્તા પ્રેમી પકડાયા: દોઢ લાખની માલમતા કબજે

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર તાલુકાના ઠેબા ગામમાં એક રહેણાક મકાનમાં જુગાર ધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈકાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો, અને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મકાન માલિક સહિત ૮ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા દોઢ લાખની માલમતા કબજે કરી છે.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતો યુસુફ મામદભાઈ શેખ નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી જુગારીયા તત્વોને એકત્ર કરીને જુગારધામ ચલાવી રહ્યો છે અને જામનગર શહેર અને ઠેબા ગામમાંથી કેટલાક જુગારીયા તત્વો આવીને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી હોવાની બાતમી યશપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળતા પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.લ. કરમટા, એસ.પી. ગોહિલ અને પી.એન. મોરીની સૂચનાથી ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઉપરોક્ત મકાનમાં ગંજીપાના વડે આઠ શખ્સો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.

આથી પોલીસે મકાન માલિક યુસુફ મોહમ્મદભાઈ શેખ, કાસમ અહેમદ ભાઈ કુરેશી, ઇરફાન ઈકબાલભાઈ ખોજા, ઇમરાન નૂરમહંમદ ભાઈ ખોજા, ઇજુભાઈ ઈકબાલભાઈ ઘાંચી, ઈરફાન કરીમભાઈ સંધિ, સહનવાજ ઉર્ફે નવાજ કાદરી, અને મોહીબ નુરમહંમદ કુરેશી વગેરેની અટકાયત કરી લીધી હતી.
પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા ચાલીસ હજાર એકસોની રોકડ રકમ, સાત નંગ મોબાઈલ ફોન, અને ત્રણ બાઈક સહિત રૂપિયા દોઢ લાખની માલમતા કબજે કરી છે, અને તમામ આરોપીઓ સામે જુગારધારા ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે.