વોર્ડ નંબર બેના કોર્પોરેટરોને સાથે રાખીને ધારાસભ્ય એ સ્થાનિક નાગરિકોને મુશ્કેલી ન પડે તેવી ખાત્રી આપી

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેર ના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા સંભવિત વાવાઝોડાના પગલે શનિવારે રાત્રે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પહોંચ્યા હતા, અને સ્થાનિક વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે રહેવા સૂચવ્યા હતા, ફાયર વિભાગની ટિમ અને પીજીવીસીએલની ટીમ પણ તેઓની મુલાકાત સમય સાથે જોડાઈ હતી. ઉપરાંત વોર્ડ નંબર બેના કોર્પોરેટરો વગેરેની સાથે રહીને સ્થાનિક નાગરિકોને પુરી મદદની ખાતરી આપી હતી.

જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ શનિવારે રાત્રે શહેરના જોડિયા ભુંગા વિસ્તારની મુલાકાત લીધી હતી, અને વાવાઝોડા અંગે સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને ફાયર વિભાગ તેમજ વિજતંત્રના અધિકારીઓને સાથે રાખીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ સ્થાનિક લોકોને પણ પોતાના પરિવારનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.

ત્યાર બાદ વોર્ડ નાં ૨ ના નીચાણવાળા વિસ્તાર એવા પુનિતનગરમાં પણ મુલાકાત લીધી હતી, અને ત્યાંના સ્થાનિક કોર્પોરેટરને પણ સાથે રાખી ભારે વરસાદ અથવા પવનને ધ્યાને લઇને સાવચેત રહેવા સૂચનો આપ્યા હતા. પુનીતનગર વિસ્તારમાં કોર્પોરેટર જ્યેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ સહિતના આગેવાનો સાથે રહ્યા હતા, અને સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલી ના પડે તેવી ખાત્રી આપી હતી.

સંભવિત વાવાઝોડા અથવા પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફાયરની ટિમ  તેમજ વિજતંત્રના અધિકારીને જરૂરી સૂચનો કર્યા હતા.