જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા સંભવિત વાવાઝોડાને અનુલક્ષીને અસરગ્રસ્તોને વહારે આવવા માટે ૧૦,૦૦૦થી વધુ ફૂડપેકેટ તૈયાર કરાવવામાં આવ્યા છે, તેમજ અન્ય ભોજન સામગ્રી પણ બનાવવામાં આવી રહી છે, અને અસરગ્રસ્તોને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જામનગરના ૭૮ ઉત્તર વિધાનસભા વિસ્તારના ગુલાબનગર, નવનાલા, ગોમતીપુર, નાગેશ્વર કોલોની સહિતના વિસ્તારો ઉપરાંત બેડેશ્વર, ધરારનગર સહિતના નીચાણવાળા વિસ્તારો કે જ્યાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે, અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત જુદી જુદી પ્રાથમિક શાળાઓ અથવા તો જ્ઞાતિની વાડી સહિતના સ્થળોમાં સંખ્યાબંધ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

જે લોકો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવાની કામગીરી ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં પટેલ કોલોની શેરી નં. ૧૨માં આવેલી વિશ્વકર્માની વાડીમાં બુંદી-ગાંઠિયા ચેવડો સહિતની ખાદ્ય સામગ્રી તૈયાર કરીને તેના ૧૦,૦૦૦થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરી લેવાયા હતા, જે પ્રક્રિયાઓ બે દિવસથી ચાલી રહી છે, તેમજ ગઈકાલે રાત્રે અસરગ્રસ્તોને તેનું વિતરણ કરી દેવાયું હતું.

ઉપરાંત આજે મોટાભાગના સ્લ્મ વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે, ત્યાં ફૂડ પેકેટનું વિતરણ થઈ રહ્યું છે ઉપરાંત સુકીભાજી- થેપલા સહિતની અન્ય ખાદ્ય સામગ્રીઓ પણ બનાવવામાં આવી રહી છે, અને તેનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જામનગર શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપરાંત ૭૮ વિધાનસભા વિસ્તારના કોર્પોરેટર તથા અન્ય કાર્યકરોની ફોજ દ્વારા સમગ્ર વિતરણ વ્યવસ્થા જોવામાં આવી રહી છે. 

.