જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરની ભાગોળે દરેડ પંથકમાં આજે સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને એક હેવી ટ્રકના જોટા નીચે આવી જતાં શ્રમિક યુવાનનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે.

મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહીને કારખાનામાં મજૂરી કામ કરતો પરમુ રૂપસિંગ નેહડા નામનો ૧૮ વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન,  કે જે આજે સવારે જામનગર બાયપાસ નજીક દરેડ વિસ્તારમાં નંબર -૧ પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન જી.જે.-૩ એ.એક્સ.૬૦૦૩ નંબરના ટ્રક ના ચાલકે તેને કચડી નાખ્યો હતો, અને ટ્રકનો પાછળનો જોટો તેના પરથી ફરી વળતાં ઘટના સ્થળે જ કમ કમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું, અને બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતના બનાવ પછી ટ્રાફિક જામ થયો હતો, અને લોકોના ટોળા એકઠા થયા હતા. સમગ્ર બનાવની પોલીસને જાણ કરાતાં પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક છોડીને ભાગી છૂટ્યો હોવાથી ટ્રકને પણ કબજે કરી લેવાયો છે. પોલીસે ભારે જહેમત લઈને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો 

.