વિદ્યાર્થીઓને થઈ રહેલી સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે રેલી યોજાઈ પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા અમાનવીય વર્તન કરી ગંદી ગાળો આપવામાં આવે છે, અને વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ માર્ક નહીં મૂકવાની ધમકી આપેછે, તેમ જ હોસ્ટેલમાં પીવા અને વાપરવાના પાણીની સમસ્યા સહિતના મુદ્દે આજે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને એન.એસ.યુ.આઈ. અને યુવક કોંગ્રેસ દ્વારા ગવર્મેન્ટ કોલેજ ના પ્રિન્સિપાલને રેલી યોજી વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

ગવર્મેન્ટ કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના મેરીટના આધારે આ કોલેજમાં એડમિશન મેળવ્યું છે અને કોઈની ભલામણ કે લગભગ થી પ્રવેશ મેળવ્યો નથી, પરંતુ આવા વિદ્યાર્થીઓ કે જેને શિક્ષકો દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, અને ત્રાસ ગુજારાય છે. 

જે એજ્યુકેશન સિસ્ટમ માટે ખૂબ જ ગંભીર બેદરકારી ગણાય તેમ જણાવી એન.એસ.યુ. આઈ. તેમજ યુવક કોંગ્રેસ ના હોદ્દેદારો ડો. તૌસિફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ, સન્નીભાઈ આચાર્ય વગેરે હોદ્દેદારોએ આજે વિદ્યાર્થીઓ સાથેની વિશાળ રેલી યોજીને ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ના પ્રિન્સિપાલ ને આવેદન પત્ર આપ્યું છે,અને જવાબદાર શિક્ષકો સામે બેદરકારી અંગેના જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

જો આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો વિદ્યાર્થીઓના હિતમાં યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. દ્વારા કોલેજ પરિસર તેમજ જીટીયુમાં જઈને ઘરણાં અને ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે.