• સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં સાડા 52 ઈંચ વરસાદ ખાબકયો 


જામ ખંભાળિયા, તા. ૨૫-૦૭-૨૦૨૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની ઋતુની મધ્યમાં જ કુલ 107.55 ટકા વરસાદ વરસી ચુક્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં ગઈકાલે મહદ અંશે મેઘ વિરામ રહ્યો હતો. ગઈકાલે સોમવારે ખંભાળિયા તાલુકામાં ત્રણ મીલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં પાંચ મીલીમીટર જ્યારે આજરોજ સવારે ભાણવડ તાલુકામાં સવારે 6 મીલીમીટર વરસાદ નોંધાયો છે.

આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં સવા 52 ઈંચ (1314 મીલીમીટર), દ્વારકા તાલુકામાં સાડા 29 ઈંચ (732 મીલીમીટર), કલ્યાણપુર તાલુકામાં સવા 26 ઈંચ (656 મીલીમીટર) અને ભાણવડ તાલુકામાં સવા 20 ઈંચ (509 મીલીમીટર) સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 32 ઈંચ (802 મીલીમીટર) વરસી ગયો છે.

ખંભાળિયા તાલુકામાં 157 ટકા દ્વારકા તાલુકામાં 135 ટકા, કલ્યાણપુર તાલુકામાં 75 ટકા અને ભાણવડ તાલુકામાં 69 ટકા મળી, કુલ સરેરાશ વરસાદ 107.55 ટકા થયો છે. જિલ્લાના કુલ 14 ડેમ પૈકી શેઢા ભાડથરી ડેમમાં 51.16 ટકા તેમજ ગઢકી ડેમ 32.14 ટકા સિવાય તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.

જિલ્લાના તમામ જળાશયો હાલ તરબતર છે. ત્યારે બે દિવસથી ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતાં ખાસ કરીને ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી છે.