વોટ અને નોટ ગુનેગારને પ્રોત્સાહન આપે છે.. !


ખાખી અને ખાદીની આડમાં ચાલતા ગુનાઓ પર પહેલા તો પુર્ણ વિરામ મુકવું પડશે, બાકીના ગુનેગારો આપો આપ સુધરી જશે.. !

તીરછી નજર - ભરત હુણ

જામનગર મોર્નિંગ - સાંસદથી લઈને સરપંચ સુધી અને એસ.પી.થી લઈને કોન્સ્ટેબલ સુધી બધા એવું ઈચ્છે છે કે આપણું શહેર આપણું ગામ ગુનાખોરી મુક્ત થાય પણ જયારે આ દિશામાં કડક પગલા ભરવાની વાત આવે ત્યારે ક્યાંકને ક્યાંક તેઓ પાછી પાની કરતા હોય એવું આપણે બધા જોઈ રહ્યા છીએ. સૌથી મોટો સડો ગુનાખોરી છે, ગુનાખોરી કોઈકનો વ્હાલસોયો તો કોઈકનો વડીલ છીનવી શકે છે. આજના સમયમાં એક ક્રેજ કહો કે પ્રોત્સાહન નાના એવા ગામનો કે શહેરની ગલીનો ખિસ્સાકાતરુ પણ ભયાનક માંફીયો બની શકે છે. દશકા પહેલા જે ગલીના કે ગામના ગુંડાની ઔકાત સાયકલ ખરીદવાની નહોતી તે આજના સમયમાં એસી કારથી નીચે પગ નથી મુકતો આટલી સફર સુધી તેને પહોચાડવા સફરમાં મદદરૂપ થનાર કોણ ? કેમ તેમને ઉગ્તોજ ડામી દેવામાં નથી આવતો ? મારી દ્રષ્ટીએ આને જો કોઈ પ્રોત્સાહન આપતું હોય તો તે વોટબેંકની રાજનીતિ કરતો રાજકારણી અને નોટની કટકી કરતો પોલીસમેન છે. આવા અધિકારીઓ અને રાજકારણીઓ થોડા અમથા સ્વાર્થ માટે મોટા ગુનેગારોને જન્મ આપે છે અને અંતે સમગ્ર શહેર કે ગામ તેનો શિકાર બને છે.

        આજકાલ આપણે આવુજ ચિત્ર જામનગરમાં પણ જોઈ રહ્યા છે. જામનગરમાં અલગ-અલગ ગેંગો કામ કરી રહી છે. કોઈના મકાન - પ્લોટ કે જમીન ખાલી કરાવવા કોઈની મિલકત ઝડપી પાડવી આવા હવાલાના કામ ચોકસ રકમ લઈને થઇ રહ્યા છે. અને આવા હવાલાનું કામ કરતી ગેંગનો લીડર થોડા ભાડુતી માણસો રાખે છે જે જરૂર પડ્યે લોકોને ધમકાવવા જઈ શકે આવા લુંચ્ચાઓનો શિકાર મધ્યમ વર્ગનો માણસ બની રહ્યો છે. અને આવા કેસ પોલીસ દફતરે પણ બહુ નહીવત પ્રમાણમાં નોંધાતા હોવાથી કોઈ ખાસ કાર્યવાહી આવા લોકો પર થતી નથી.

        હાલ આપણે બંધ આખે પણ ૮-૧૦ ગેંગના નામ જાણીએ તે સિવાયની પણ અનેક ગેંગ ભૂગર્ભમાં કામગીરી કરતી હોય તેવું પણ બની શકે. આવા લોકોના લક્ઝુરીયસ જીવનએ અનેકની જિંદગીને બરબાદ કરી નાખી હોય અનેક લોકોની જિંદગી ભરની કમાણી કે બચતથી મેળવેલી મિલકત આવા લુચ્ચો ક્ષણ વારમાં પડાવી જાય છે.

        આવા લોકોને રાજકીય કે પોલીસ તરફથી મળી રહેલ પીઠબળ બંધ થઈ જાય તો લોકો ખુલીને પોલીસ ફરિયાદ નોંધાવી શકે અને લુખ્ખા અને લુચ્ચોને જેલ હવાલે કરી શકે.