જામવાડીમાં વર્લીનું નેટવર્ક ચલાવતી મહિલા સહિત બે શખ્સની ધરપકડ રૂ. 19570ની રોકડ રકમ ઝબ્બે 

જામનગર મોર્નિંગ - તા 21 : જામનગરના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રાજકોર આર.આર.સેલની ટીમે વર્લી મટકાના જુગાર અંગે દરોડો પાડી બે વર્લીબાજની ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને વર્લી મટકાનું સાહિત્ય કબ્જે કર્યું છે જેમાં એક મહિલા દ્વારા વર્લીનું નેટવર્ક ચલાવાતું હોવાનું ધ્યાનમાં આવતા એક મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 
મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતી રંજનબેન રસીકભાઇ વીરોજા તેમજ મુકેશ રતિલાલ સીતાપરા વર્લી મટકાના જુગારનું નેટવર્ક ચલાવી રહ્યા છે અને જામજોધપુર પંથકના કેટલાક શખ્સોને વર્લીને જુગારના રવાડે ચડાવી વર્લીના આંકડા લેવામાં આવે છે તેવી ચોક્કસ બાતમી રાજકોટ આર આર સેલની ટીમને મળતા આર આર સેલની ટીમે જામવાડી ગામમાં પહોંચી જઈ દરોડો પાડ્યો હતો અને બંને આરોપીઓની ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રૂ. 19570ની રોકડ રકમ અને વર્લીના જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.