જામનગરમાં 21 જેટલા ચોરાઉ મોબાઈલ ફોન સાથે તસ્કર ઝડપાયો 10 જેટલી ચોરી કર્યાની કબૂલાત : કુલ રૂ. 88300ની મતા કબ્જે લેવાઈ 

 જામનગર મોર્નિંગ - જામનગર તા.૪ : જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમે શહેરમાં વધતી જતી ચોરીના બનાવોને લઈને એક તસ્કરને 21 જેટલા ચોરાઉ મોબાઈલ ફોન સાથે પકડી પાડ્યો હતો જે તસ્કરની પુછપરછમાં તેણે જામનગર શહેરમાંથી છેલ્લા છ મહિનાના સમયગાળા દરમ્યાન 10 જેટલી મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત આપી છે અને સંખ્યાબંધ ચોરી કર્યાનું કબુલ્યું પણ છે. 
મળતી વિગત મુજબ જામનગરના ગોકુલનગર, સરદારનગર, ઉદ્યોગનગર, જનતા ફાટક વગેરે વિસ્તારોમાં આવેલી મોબાઈલ ફોનની કેટલીક દુકાનોમાં છેલ્લા છએક મહિનામાં ચોરીઓ થઈ હતી જેની પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન જનતા ફાટક પાસે આવેલા એક કોમર્શિયલ કોમ્પલેક્ષ સ્થિત મોબાઈલની દુકાનોમાં એક શખ્સ પોતાની પાસે રહેલા ફોન વેચવાની તજવીજ કરતો હોવાની બાતમી એલસીબીના હરપાલસિંહ સોઢા, દિલીપ તલાવડિયા, પ્રતાપ ખાચરને મળતા ત્યાં ધસી ગયેલા એલસીબીના કાફલાએ ત્યાંથી મૂળ વેસ્ટ બંગાળના વતની અને હાલમાં ગોકુલનગરના સરદારનગર પાસે સાંઢિયા પુલ નજીક રહેતા સુનિલ શંકરભાઈ દાસ નામના બંગાળી શખ્સને શંકા પડતા એકવીસ મોબાઈલ સાથે અટકાયતમાં લીધો હતો. આ શખ્સને કચેરીએ ખસેડી પૂછપરછ હાથ ધરાતા તેણે છેલ્લા છ મહિનામાં દસ સ્થળેથી કુલ એકવીસ મોબાઈલ ચોર્યાની કબૂલાત આપી છે. આ શખ્સે છએક મહિના પહેલા અશોકભાઈ મંગેની મોબાઈલની દુકાનની બારી તોડી બે મોબાઈલ તફડાવ્યા પછી, ત્રણેક મહિના પહેલા ગુમાનસિંહ કનુભાની દુકાનમાં બાકોરૃં પાડી છ ફોનની ચોરી કરવા ઉપરાંત ખંભાળિયા નાકા બહાર રાજેશ ગંઢાની દુકાનમાંથી ચાર મોબાઈલ, રોકડ, ગોકુલનગર વિસ્તારમાં એક દુકાનમાંથી એક ફોનની ચોરી કરવા ઉપરાંત સાંઢિયા પુલ, જકાતનાકા, દિ. પ્લોટ વિસ્તાર, ઉદ્યોગનગર, જનતા ફાટક પાસેથી મોબાઈલ ચોરી લીધાની કબૂલાત આપી છે. આ શખ્સે એલસીબીને તમામ ચોરાઉ મોબાઈલ કાઢી આપતા રૃા.૮૮,૩૦૦ની કિંમતના મોબાઈલ કબજે કરી આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 
આ કાર્યવાહી જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.એ. ડોડિયા, પીએસઆઈ વી.વી. વાગડિયા, પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ, લક્ષ્મણ ભાટિયા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, શરદ પરમાર, નાનજી પટેલ, દિલીપ તલાવડિયા, ફિરોઝ દલ, રઘુભા પરમાર, ખીમભાઈ ભોચિયા, લાભુભાઈ ગઢવી, કમલેશ ગરસર, મિતેશ પટેલ, ભગીરથસિંહ, હરદીપ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, હીરેન વરણવા, પ્રતાપ ખાચર, સુરેશ માલકિયા, એ.બી. જાડેજા, અરવિંદગીરી, ભારતીબેન ડાંગર વગેરેએ કરી હતી.