ભાણવડ તાલુકાના બોડકી ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૧.૪૬ કરોડના ખર્ચે બની રહેલ ડામર રોડની કામ કરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છતાં રોડની કામગીરી ૩૦% પણ થઇ નહી ! 


જામનગર મોર્નિંગ, તા.૦૨/૧૦, વાઈબ્રન્ટ ગુજરાત, વિકસિત ગુજરાત અને ઝડપી ગુજરાત આવા સુત્રો તો તમે ઘણી વખત સાંભળ્યા જ હશે પણ આ વાત થોડી અલગ છે માની લ્યો કે, તમારે સરકારી કોઈ લેણું બાકી છે અને સરકાર તમને નોટીસ આપે કે ૩૦ દિવસમાં આ રકમ ભરી દયો ને, બની શકે કે સમય મર્યાદામાં રકમ ના ભરી શકો તો કેટલા કડક હાથે કામ લ્યે તે પણ જાણતા જ હશો સામાન્ય રકમ હોય પણ કોર્ટના ચક્કર લગાવી લગાવીને તમારા ચપ્પલ ઘસાઈ જાય આવા ઉદાહરણ આપણે અનેક જોયા હશે, પણ જયારે સરકાર પોતાના કામ માટે બે જવાબદાર બને ત્યારે જવાબદાર કોણ ? આવો જ એક બનાવ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં બન્યો જેની આજે આપણે વાત કરવી છે.
પ્રાપ્ત વિગત મુજબ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ - ૨૦૧૬માં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના બોડકી ગામથી કનકેશ્વર, ફતેપુર ગોળાઈ સુધી ૫.૫૦ કિમીનો ડામર રસ્તો ૧.૪૬ કરોડના ખર્ચે મંજુર થયો જે રોડનું કામ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા કરવામાં આવનાર હતું. જે રોડના કામનો વર્ક ઓર્ડર જાન્યુઆરી - ૨૦૧૭માં ૬ માસના સમય ગાળામાં રોડનું સંપૂર્ણ  કામ પૂરું કરવાની શરતે એશિયન કન્ટ્રકશન, હિમતનગરની પેઢીને મળેલ જે બાદ કામ ૧ વર્ષ બાદ ૨૦૧૮ના શરૂઆતના ભાગમાં ચાલુ કરવામાં આવ્યું અને રોડમાં કાળી કાંકરી મેટલ પાથરવામાં આવી. ત્યારબાદ આ એજન્સીએ કોઈ કારણસર કામ કરવાનું બંધ કરી દીધું તે હજી સુધી ચાલુ જ કર્યું નહી રોડમાં એમ જ કાળી કાંકરી પાથરેલ છે. રોડમાં કાળી કાંકરી મેટલ પાથરેલ હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ગંભીર ભય રહે છે રોડ પર કાંકરી હોવાથી પોતાનું વાહન સ્લીપ થવાનો ડર રહે છે તેમજ દરરોજ શાળાએ આવતા શિક્ષકો અને ગામમાંથી તાલુકા મથકે જતા ગ્રામજનોને આ સમસ્યાનો કાયમી ધોરણે સામનો કરવો પડે છે. ગ્રામજનો ઈચ્છી રહ્યા છે કે સરકાર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે અને આ રોડનું કામ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને ગ્રામજનોની આ સમસ્યાનું નિરાકરણ આવે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ કામના ઈજારેદાર એશિયન કન્ટ્રકશનને કામ કરવાની સમય મર્યાદા ઉપરાંત પણ ૧૫ મહિનો જેટલો સમય વધારે વહી ગયો છતાં પણ કામગીરી પૂર્ણ કરેલ નથી તે બાબતે તંત્ર ખુલાસો માંગશે અથવા તો દંડ કે શિક્ષાત્મક કાર્યવાહી કરશે કે કેમ તે પણ એક સવાલ છે ?આ બાબતે વધુ વિગત જાણવા માટે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગીય કચેરી ભાણવડના એસ.ઓ. ડાભીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે જે પેઢીને કામ કરવાનું છે તે કામ કરતી નથી તેઓને કામ માટે ઘણી વખત કહેલ છે છતાં તેઓએ ફરી કામ ચાલુ કરેલ નથી આ બાબતે દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરને પણ જાણ કરેલ છે કે જો ઉપરોક્ત ઈજારેદાર કામ ના કરેતો તેમનો વર્ક ઓર્ડર રદ કરીને નવી પાર્ટીને કામ આપીએ તેમજ આ બાબતની જાણ માટે ગાંધીનગર પણ રીપોર્ટ કરેલ છે પણ હજી સુધી કોઈજ પરિણામ મળેલ નથી.