જામનગર તા.૧૦ : જામનગરના ભોઈવાડામાં ગઈકાલે સાંજે અગરબત્તીમાંથી ખરેલા તણખાથી એક મકાનમાં આગનું છમકલું થયું હતું. જ્યારે ચાંદી બજારમાં ઈલેકટ્રીકના થાંભલામાં શોર્ટ-સર્કીટના કારણે આગ લાગી હતી.
જામનગરની સુભાષ શાક માર્કેટ પાસે આવેલા ભોઈવાડામાં ભાડાના એક મકાનમાં વસવાટ કરતા વિક્કીભાઈ જયંતિભાઈ વારાના મકાનમાં ગઈકાલે સાંજે દીવાબત્તી કરવામાં આવ્યા પછી અગરબત્તીમાંથી ખરેલા તણખાથી આગનું છમકલું થયું હતું જેની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દોડી ગયેલા ફાયરના જવાનોએ એક ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને પ્રસરતી અટકાવી હતી તેમ છતાં ગોદળા સહિતની કેટલીક ઘરવખરી સળગી જતાં રૃા.દસેક હજારનું નુકસાન થયું હતું.
ચાંદી બજારમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિર સામેના ઈલેકટ્રીકના થાંભલામાં પણ ગઈકાલે સાંજે શોર્ટ-સર્કીટના કારણે આગનું છમકલું થયું હતું જેને તાત્કાલિક ફાયરબ્રિગેડે કાબૂમાં લઈ લીધું હતું.