રૂ. ૭ લાખનો દંડ ફટકારતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ખળભળાટ : ખાણ ખનીજ અને પોલીસ વિભાગનો સપાટો 

જામનગર મોર્નિંગ - દ્વારકા : ખંભાળીયા પંથકમાં રાત્રી દરમ્યાન ખનીજનું પરિવહન કરતા ત્રણ બોક્સાઈટ ભરેલ ત્રણ ટ્રકને ખાણ ખનીજ વિભાગે ચેકિંગ દરમ્યાન ઝડપી લઇ રૂ. 7 લાખનો દંડ ફટકારવામાં આવતા અન્ય ગેરકાયદે હેરાફેરી કરતા ખનીજચોરી કરતા તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.   
 દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણખનીજ અધિકારી હેતલકુમાર પટેલ તથા ખંભાળિયાના પીઆઈ અરવિંદસિંહ જાડેજાએ તાજેતરમાં ખંભાળિયા-દ્વારકા રોડ પર ત્રણ ટોરસ ટ્રકને ગેરકાયદે બોકસાઈટ ભરીને વહન કરતા પકડીને ડીટેઈન કર્યા હતા. આ ટ્રકવાળાઓ તથા ટ્રક માલિકો દ્વારા ભરેલા ખનીજના આધાર રજૂ ના કરી શકાતા જિલ્લા ખાણખનીજ અધિકારી પટેલ દ્વારા ત્રણેય ટ્રકને સાત લાખ રૃપિયા દંડ કરાયો હતો. ખાણખનીજ અધીકારી પટેલે તાજેતરમાં ચેકીંગ કરતા બે ટ્રકવાળાઓને દોઢ-દોઢ લાખ દંડ તથા ચાર ટ્રેકટર વડે ગેરકાયદે ખનીજ વહન કરતા આસામીઓને ટ્રેકટર દીઠ પ૦-પ૦ હજાર રૃપિયા દંડ વસૂલ કરાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવો કડક દંડ કોઈએ અગાઉ પણ વસૂલ કરેલો ના હોય, ગેરકાયદે ખનીજ વહન કરનારા તત્ત્વોમાં ભારે સોંપો પડી ગયો છે. જ્યારે ખંભાળિયાના હર્ષદપુરમાં એકસાથે થયેલી ચોરીના પગલે ખંભાળિયા પો.ઈ. અરવિંદસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા એસપી રોહન આનંદ તથા એએસપી પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ રોજ નાઈટ પેટ્રોલિંગ સાથે ચાર-ચાર જીપો ફેરવવાનું તથા હોમગાર્ડ-પોલીસના વીસ-પચ્ચીસ જવાનોના કાફલા સાથે પેટ્રોલિંગ કરવામાં આવતા પોલીસનો બનાવ એક પણ નોંધાયો નથી. બીજી તરફ રાત્રે બાર વાગ્યા પછી વાહનો લઈને રખડતા નવરા તત્ત્વો સામે પણ આકરી કામગીરી કરતા રાત્રે રખડતા તત્ત્વોને હવે ઘરે ઉંઘ આવવા લાગી છે. મોડીરાત્રે વાહનો લઈને નીકળતા લોકો વાહનના કાગળો, લાયસન્સ, વીમો તથા અન્ય કાગળો સાથે નહીં રાખનારાઓ સામે કડક પગલા લઈને અત્યાર સુધીમાં સો જેટલા વાહનો ડીટેઈન કરીને તેમની સામે કડક પગલા અને વાહનદીઠ દંડની રકમ પણ વસૂલવામાં આવી છે.