જામનગર: દારૂની મહેફિલ શરુ કરે પહેલા તલાટી અને વેપારીને પોલીસે બોટલ સાથે પકડ્યા
જામનગર: જામનગરમાં દેશી-વિદેશી દારૂ સંબંધીત પોલીસને કામગીરી વચ્ચે ગઇકાલે સીટી એ ડીવીઝન પોલીસે ઓશવાળ હોસ્પિટલ સામે આવેલ મીરા મેડિકલ એજન્સીમાં દરોડો પાડી એજન્સી સંચાલક અને એક તલાટી કમ મંત્રીને દારૂની બોટલ સાથે આંતરી લીધા હતાં. દારૂની મહેફિલ મંડાય તે પુર્વે પોલીસે કામગીરી કરી હતી પરંતુ આ પ્રકરણમાં પોલીસે આરોપીઓને જામીન આપી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

જામનગરમાં સીટી એ ડિવિઝન વિસ્તારમાં આવેલા ઓશવાળ હોસ્પિટલ સામે આવેલ મેડિકલ સ્ટોરમાં દારૂની મહેફિલ મંડાવવાની તૈયારી થતી હોવાની સીટી એ ડીવીઝન પોલીસ દફતરને જાણ થઇ હતી. જેને લઇને રાત્રે પોણા અગિયાર વાગ્યે ડી સ્ટાફે અત્રે દરોડો પાડ્યો હતો. જેમાં મેડિકલ મેડિસિનની એજન્સી ધરાવતા સંચાલક અને વેપારી એવા જતીન ભરતભાઇ બદીયાણી અને સરકારમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા દેવાંશુ કિશોરભાઇ દવે નામના સરકારી કર્મચારીને આંતરી લીધા હતાં. બંને શખ્સો મહેફિલની વેતરણીમાં હતાં. ત્યાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો અને બન્નેને આંતરી લીધા હતાં. પોલીસે બંને શખ્સોના કબજામાંથી એક દારૂની બોટલ કબજે કરી પ્રોહિબિશન ધારા મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા સમયે હાથમાં આવેલ અને ખાનગી ટેલિકોમ પેઢી સાથે સંકળાયેલા શખ્સને પોલીસે પાછળના દરવાજાથી એક્ટિટ આપી આ સમગ્ર મામલે મીઠી નજર રાખી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે ઝડપાયેલા આરોપીઓને એ ડિવિઝન લઇ જવાયા બાદ પોલીસે બંને શખ્સોને તાત્કાલીક જામીન આપી દીધા હતા જે વાતે પણ જોર પકડ્યું છે.