જામનગર મોર્નિંગ - ભાણવડ તા.25 : દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સંયુક્ત જીલ્લામાં પથરાયેલ બરડા ડુંગરને 1969થી અભ્યારણ્યનો દરરજો મળેલ છેં.70 -80 કિલોમીટરના રાઉન્ડમાં પથરાયેલ બરડા અભ્યારણ્યના વિસ્તારમાં 100 થી વધારે નેશ આવેલ છેં. આ નેશમાં હજારોની સંખ્યામાં માલધારી પરિવારો પોતાના માલ - ઢોર સાથે વસવાટ કરી રહ્યા છેં. 
બરડા અભ્યારણ્યના સંરક્ષણ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પોરબંદરમાં ડિવિઝન સાથે પોરબંદર,રાણાવાવ અને ભાણવડ એમ ત્રણ રેન્જ ઓફિસ આવેલ છેં.
બરડા અભ્યારણ્યમાં દર વર્ષે આગના છમકલાં થાય છેં કે પછી આકસ્મિક આગ લાગે છેં તે તપાસનો વિષય છેં.

ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ એક દિવસ પહેલાં સોમવારે રાત્રે ભાણવડ રેન્જના કાઠિયાણીનેશ પાસે રાતા ઘોડા ટેકરી પર આગ લાગેલ અને થોડી વારમાંજ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધેલ અને આગના સ્થળ સુધી ડુંગરમાં રસ્તા પણ આવેલ ના હોવાથી ફાયર બ્રિગેડના વાહનો પણ પહોંચી શક્યા નહી. આ આગ સાંજના આઠ વાગ્યેથી લાગેલ જેની જાણ ફોરેસ્ટ વિભાગને થતા ભાણવડ અને રાણાવાવ રેન્જની ટીમની સાથે સ્થાનિક લોકોએ મળીને રાત્રીના અગિયાર વાગ્યા સુધીમાં 1 હેક્ટર એટલેકે 10000 ચો મીટરમાં પથરાયેલ આગને બુઝાવવામાં સફળતા મેળવેલ ત્યારે ફોરેસ્ટ વિભાગ પાસેથી મળતી વિગત મુજબ આગ આકસ્મિક રીતે બામ્બુના વાંસના વૃક્ષ એકબીજા સાથે ઘસાવાથી લાગી હોવાનું જાણવા મળી રહ્યું છેં.
જયારે અંગતસૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ બરડો ડુંગર ગોરખધંધાઓ માટે પણ વિખ્યાત છેં. સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટની મીઠી નજર હેઠળ બરડા ડુંગરમાં અનેક દારૂના ભઠ્ઠા આવેલ છેં અને આ ભઠ્ઠાઓના કારણે જ આગ લાગતી હોય છેં તેવી પણ વિગત સામે આવી રહી છેં. 
ત્યારે બંને એન્ગલ ને સાઈડ પર રાખીને જોઈએ તો પણ બરડામાં હજારોની સંખ્યામાં માલધારી પરિવારો અને તેમના પશુઓ રહેતા હોય સાથે જંગલી પ્રાણીઓમાં પણ હરણ, ભૂંડ, નીલ ગાય,  દીપડા, ઝરખ સહીત અનેક પશુ પંખીએ બરડાની હરિયાળીમાં વસતા હોય જયારે વારંવાર લાગતી આગથી માણસ સહીત પશુ પ્રાણીઓના જીવ પર પણ ક્યારે જોખમ આવી પડે તેનું કહી શકાય તેમ નથી.
બરડા અભ્યારણ્યના સંરક્ષણ માટે, વારંવાર લાગતી આગ પર અંકુશ મેળવવા માટે કોઈ આકરા પગલાં ભરાશે અથવા આધુનિક સિસ્ટમ ઉભી કરાશે નહીંતર વારંવાર લાગતી આગ બરડા અભયારણ્ય માટે જોખમ નોતરશે એ વાતને પણ નકારી શકાઈ તેમ નથી.

ભરત હુણ - તીરછી નજર