મોટા ઇટાળાના ખેડૂતે કરજ વધી જતા ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી 

જામનગર મોર્નિંગ - જામનગર   
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામમાં રહેતા એક ખેડૂત પ્રૌઢે પોતાનો પાક નિષ્ફ્ળ જતા પોતાના પર કરજ વધી ગયું હોવાથી તેની ચિંતામાં પોતાની વાડીમાંજ પીપળાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો છે. પાક ધિરાણનું 4 લાખનું દેણું ચડી જતા તેમજ પુત્ર અને પુત્રીના લગ્ન માથે હોવાથી આર્થિક ભીંસના કારણે આ પગલું ભરી લીધેલ છે. મૃતકે લખેલી સુસાઇડ નોટ પણ પોલીસે કબ્જે કરી છે. હાલાર પંથકમાં છેલ્લા ચાર મહિનાના સમય ગાળા દરમ્યાન પાક નિષ્ફ્ળ જવાના કારણે આત્મહત્યાનો તેમજ આત્મહત્યાનો પ્રયાસ કરવા અંગેનો પાંચમો કિસ્સો નોંધાયો છે. 
 જામનગર અને ધ્રોલ સહિત સમગ્ર હાલાર ભરમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામમાં રહેતા રમેશભાઈ નાથાભાઈ મુંગરા નામના 50 વર્ષના પટેલ ખેડુત પ્રૌઢે મંગળવારે બપોરે 3 વાગ્યે પોતાની વાડીમાં આવેલા પીપળાના ઝાડમાં રાંઢવું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી લીધો છે. આ બનાવની જાણ થતા મૃતકના બે નાનાભાઈઓ તથા ત્રણ સંતાનો વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ કર્યું હતું.
પરિવારજનોએ પોલીસને જાણ કરતા ધ્રોલ પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો જ્યાં પોસ્ટમોર્ટમ કરાયા પછી મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દેવાયો હતો. ઉપરાંત બનાવના સ્થળેથી મૃતકના હાથે લખેલી એક સ્યુસાઈડનોટ પણ મળી આવેલ હતી જેમાં પોતે પાક નિષ્ફ્ળ જવાના કારણે આર્થિક સંકળામળમાં આવી જતા આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે. તેમાં તેના પરિવારનો કોઈ દોષ નથી તેવો ઉલ્લેખ કર્યો હતો. જે ચીઠી પોલીસે કબ્જે કરી લીધેલ હતી. 
આત્મહત્યાના આ બનાવ અંગે મૃતક રમેશભાઈના નાના ભાઈ કરશનભાઈ નાથાભાઈ મુંગરા ઉ.વ.42 ધ્રોલ પોલીસ મથકમાં જાહેરાત કરી હતી જેમાં પોતાના મોટાભાઈ રમેશભાઈ પોતાનો પાક નિષ્ફ્ળ જતા દેવું વધી જવાના કારણે છેલ્લા કેટલાક દિવસથી ચિંતામાં રહેતા હતા અને તેઓએ આર્થિક ભીંસના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધેલ છે. તેવું જાહેર કર્યું હતું. ધ્રોલ પોલીસે મૃત્યુ અંગેની અને આપઘાતના બનાવની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે. 
આત્મહત્યાનું પગલું ભરી લેનાર રમેશભાઈ મુંગરા કે જેઓ મોટા ઈટાળા ગામમાં પોતાના પત્ની અને ત્રણ સંતાનો રૂષિકા ઉ.વ.22, ધવલ ઉ.વ.21, હાર્દિક ઉ.વ.19 સાથે રહે છે અને પોતાની 12 વીઘા ખેતીની જમીનમાં આશરે 4એક લાખનું પાક ધિરાણ મેળવીને ચાલુ સીઝનમાં કપાસનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ નહીં હોવાના કારણે પાણીના અભાવે તેઓનો પાક નિષ્ફ્ળ ગયો હતો રમેશભાઈના બે અન્ય ભાઈઓ કરશનભાઇ તેમજ મનસુખભાઇ કે જેઓ પણ મોટા ઈટાળા ગામમાં જ રહે છે અને પોટ પોતાની જમીનમાં ખેતી કામ કરે છે જે બંનેને આજથી 12 દિવસ પહેલા પાક નિષ્ફ્ળ જવાથી આર્થિક દેવામાં આવી ગયાનું જણાવ્યું હતું અને તેઓ ભાંગી પડ્યા હતા. પોતાના બે સંતાનો રૂષિકા તેમજ ધવલના તાજેતરમાં લગ્ન લેવાના હતા તે જવાબદારી પણ તેમના માથે હોવાથી આર્થિક ભીંસ વધી જતા તેની ચિંતામાં જ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે. છેલ્લા ચાર મહિનાના સમય ગાળા દરમિયાન હાલાર પંથકમાં જગતના તાતનો પાક નિષ્ફ્ળ જવાના કારણે આત્મહત્યાના પ્રયાસ અંગેનો પાંચમો કિસ્સો નોંધાયો છે.