જામનગરમાં જુગારધારાના ગુન્હામાં નાસ્તા-ફરતા શખ્સની ધરપકડ 

જામનગર મોર્નિંગ - જામનગર તા.21 : જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં 2011ની સાલમાં ક્રિકેટનો ડબ્બો પકડી પાડી જુગારધારાનો કેસ કરવામાં આવ્યો હતો જે જુગારધારાના કેસમાં સાત વર્ષથી નાસ્તા-ફરતા આરોપી સુરતના શખ્સની એલસીબીની ટીમે સુરતમાંથી ધરપકડ કરી લઇ જામનગર લઇ આવ્યા પછી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.
જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં 2011ની સાલમાં પોલીસે એક રહેણાંક મકાન પર ક્રિકેટના જુગાર અંગે દરોડો પાડી ક્રિકેટનો ડબ્બો પકડી પાડ્યો હતો અને જુગારધારા 4-5 મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો જે ગુન્હામાં સુરતના અમરેલી વિસ્તારમાં વિશ્વનગર સોસાયટીમાં શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં બ્લોક નં. 301માં રહેતા સંજય ઉર્ફે ભૂરો કાંતિલાલ હકરનું નામ ખુલ્યું હતું અને તેને ફરારી જાહેર કરાયો હતો. 
જામનગરની એલસીબીની ટિમ દ્વારા તાજેતરમાં નાસ્તા-ફરતા આરોપીને પકડવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન ઉપરોક્ત સુરતનો ફરારી આરોપી કે જે હાલ સુરતમાં આવ્યો છે તેવી ચોક્કસ બાતમી મળતા એલસીબીની ટીમે તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો હતો. જ્યાંથી આરોપી સંજય ઉર્ફે ભૂરોને દબોચી લીધો હતો જેને જામનગર લઇ આવ્યા પછી સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી દીધો હતો.