ફૂટપાથ અને વનવગડામાં રહેતા  લોકોના જીવનને સામાન્ય પ્રવાહ સાથે ક્યારે જોડાશે ? આ સવાલ વહીવટી તંત્ર અને લોક પ્રતિનિધીએ પોતાની જાતને પૂછવો પડશે !

 

જામનગર મોર્નિંગ : આપણો દેશ આઝાદ થયાને ૭ દાયકા વીતી ચુક્યા. સાત દાયકાથી આપણા દેશમાં લોકશાહી છે. લોકશાહી દેશમાં લોકોના વિકાસ માટે સરકારે કામ કરવાનું હોય છે તેમાં દેશના દરેક વર્ગની જનતા સરકાર માટે એક સમાન હોય છે. દરેકની ફરજો અને અધિકાર સમાન હોય છે. એની અમલવારી કરાવવાની જવાબદારી સરકારી તંત્ર અને તેનું સંચાલન કરતા લોક પ્રતિનીધીઓની હોય છે. આપણા દેશના લોકોનો, પૈસાદાર, મધ્યમ અને ગરીબ આમ ત્રણ વર્ગમાં સમાવેશ થાય છે.
        પૈસાદાર વર્ગને લગભગ સરકારી યોજનાઓની માહિતી હોય છે પણ તેમને સરકાર તરફથી મળતી સહાયની ખાસ કોઈ જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ મધ્યમવર્ગને અમુક અંશે સરકારી સહાયની જરૂરત હોય છે ત્યારબાદ ગરીબવર્ગ આવે છે જેમાના મહતમ લોકો સરકારની વિવધ યોજનાઓ હેઠળ મળતી સહાયો અને પોતાની મજુરી મારફત પોતાના પરિવારનું સંચાલન કરતા હોય છે. અહી સુધી તો બરાબર છે. પણ ત્યાંથી આગળ વધીએ તો એક એવો વર્ગ આવે છે જેમને ગરીબ તો કહી શકાય પણ સરકારશ્રીની કોઈ યોજનાઓનો લાભ તેમના સુધી પહોચતો નથી.
        શહેરની ફૂટપાથો અને વનવગડામાં વસતા લોકો જે સામાન્ય માણસ કરતા પોતાનું જીવન અલગ ગુજારી રહ્યો છે. તેને એ તો ખ્યાલ હોય છે કે તહેવારો ક્યારે આવે છે, પણ તહેવાર ઉજવવાનો આનંદ તેમને હોતો નથી તેમના માટે બધા જ દિવસો બધો જ સમય એક સરખો હોય છે.
        જી હા, આપણે વાત કરવી છે શહેરની ફુટપાથ પર રહીને ગુજરાન ચલાવતા દેવીપુજક સમાજ અને વનવગડામાં અથવા તો શહેથી અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકો જેમને આપણે લુહારીયા કે વણઝારા શબ્દથી ઓળખીએ છીએ. આ લોકોના બાળકો આજે પણ શિક્ષણ મેળવી શકતા નથી. તેઓ ખાસ કોઈ ધંધો કે રોજગાર પણ કરતા નથી. બસ તેઓ ભિક્ષાવૃતિથી અને અમુક કિસ્સામાં નાની મોટી રોજગારથી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સ્થિતિ એકદમ દયનીય હોય છે. તેમનું એક મુખ્ય કારણ છે તેઓ આપણી હાલની સમાજ વ્યવસ્થાથી પર છે. તેમને જરૂર છે પ્રોત્સાહનની તેમની મુશ્કેલીઓ સમજીને તેમના સમાધાન કરાવવાની અને આ જવાબદારી છે સરકારીતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓની ખાસ કરીને સમાજ કલ્યાણ અધિકારી, વિકાસ અધિકારીઓની એનાથી પણ ઉપર જોઈએ તો તે લોકપ્રતિનિધિઓની જેઓ લોક સેવા માટે ચુંટાઈ આવેલા છે. તેઓએ પ્રયાસ કરવો જોઈએ આવા લોકોને સામાન્ય પ્રવાહ સાથે જોડવાનો અને લોકશાહીમાં ભાગીદાર બનાવવાનો. આ લોકશાહી ફક્ત આપણા એક માટેજ નથી તે પણ યાદ રાખવું પડશે.
        આપણે ઉપરની વાતમાં જે સમાજનો ઉલ્લેખ કર્યો તેમના મોટાભાગના લોકો મતદાર ઓળખપત્ર પણ ધરાવતા નથી હોતા. તેના માટે કોણ જવાબદાર મતદાર નોંધણી અધિકારી કે બીએલઓ જેમને ઘર - ઘર અને દરેક વિસ્તારના લોકોના નામ જોડવાના છે. આવા અધિકારીઓ પણ કેમ અહી સુધી પહોચતા નથી તે પણ એક વિચારવા જેવી બાબત છે.
        તેથીય વિશેષ જોઈએ તો પ્રાથમિક શિક્ષણ દરેક બાળકો માટે ફરજીયાત હોય છે ત્યારે આ લોકોના બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ મળતું નથી ! આપણે ફુટપાથ પર વસ્તા દેવી પૂજક સમાજ અને વનવગડામાં વસતા વણઝારા સમાજને આગળ લાવવા માટે કઈક કરવું પડશે અને સૌથી વધુ જવાબદારી તો તંત્રની છે કેમકે તેમને અ કાર્ય માટે મહેનતાણું પણ મળતું હોય છે.
આ કડકડતી ઠંડીમાં જયારે આપણે ગરમ હૂફવાળા કપડા પહેરીને ડબલ ચાદરો ઓઢીને મીઠી નીંદર માણી રહ્યા હોય ત્યારે તેઓ ફુટપાથ પર કે વગડામાં ખુલ્લા આસમાન નીચે ઊંઘતા હોય છે. સાહેબ સમાજ કલ્યાણ અને વિકાસ માટે આવતી અઢળક રકમમાંથી આમનો વિકાસ ના કરી શકાય ? આપણે એકજ કાફલાને લઈને આગળ જઈ રહ્યા છીએ બીજો એક વર્ગ આખો આપણી પાછળ રહી ગયો છે તેને પણ આપણી સાથે સામાન્ય પ્રવાહમાં લાવવો પડશે. નહીતર દીવા પાછળના અંધારાની કહેવત મુજબ ત્યાં અંધારું જ રહેવાનું છે. હા, કાયમી માટે ત્યારે જોવાનું એ રહ્યું કે આ દિશામાં આગળ કઈક વિચારાઈ છે કે પછી જૈસે હૈ વૈસે હી રહેને દો જેવી નીતિ અપનાવાઈ રહેશે.
ભરત હુણ - તીરછી નજર કોલમ