હરીપરમા થાંભલા પરથી પટકાયેલા વૃદ્ધનું મોત

 જામનગરમાં હૃદયરોગના કારણે વૃધ્ધનું મોત : તરસાઈના પ્રૌઢનું લપસી જવાથી મૃત્યુ : ટીટોડી વાડીમાં વીજ આંચકો લાગતા યુવતીનું મોત : કાલાવડ ધોરીમાર્ગ પર ખુંટિયો બાઈક સાથે અથડાતા ચાલકનું મોત 
જામનગર મોર્નિંગ - જામનગર,તા.૧૩ : જામનગર પુત્રના ઘેર આવેલા વૃદ્ધ પિતાને છાતીમાં દુઃખાવો ઉપડતા મૃત્યુ થયું છે. જ્યારે કાલાવડના હરિપરમાં થાંભલા પરથી પટકાયેલા વૃદ્ધ પર કાળનો પંજો પડયો છે. તેમજ તરસાઈના એક પ્રૌઢનું લપસી પડયા પછી મૃત્યુ જયારે  જામનગરના ટીટોડી વાડીમાં ગઈકાલે સવારે એક મહિલાને સ્વિચ બોર્ડમાંથી વીજ આંચકો લાગતા તેણીનું મૃત્યુ નિપજ્યું તેમજ જામનગરના મોટા થાવરિયા ગામ પાસે એક બાઈક સાથે દોડતો ખુંટિયો અથડાઈ જતાં ઘવાયેલા બાઈકચાલકનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા સ્થાનિક પોલીસે પાંચેય બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરના પંચવટી રોડ પર આવેલી અંબા કોલોની સોસાયટીમાં રહેતા બ્રિજરાજસિંહ ચંદ્રસિંહ જાડેજાને ત્યાં જૂનાગઢથી તેઓના પિતા ચંદ્રસિંહ બનેસિંહ જાડેજા (ઉ.વ.૭પ) આવ્યા હતા. આ વૃદ્ધને મંગળવારે રાત્રે ચક્કર આવતા અને પસીનો વળી ગયા પછી છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે સાંજે મૃત્યુ નિપજતા ઉર્વશીબા બ્રિજરાજસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. જમાદાર આર.બી. ચૌધરીએ મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. કરાવ્યું છે.
જયારે કાલાવડ તાલુકાના હરિપર ગામના પ્રવીણભાઈ કાંતિભાઈ જોષી (ઉ.વ.૬૦) નામના વિપ્ર વૃદ્ધ ગઈ તા.૨૨ની સાંજે હરિપર ગામમાં આવેલી એક વાડીમાં વીજળીના થાંભલા પર ચઢી સમારકામ કરતા હતા ત્યારે તેઓને ચક્કર આવતા આ વૃદ્ધ નીચે પછડાયા હતા. ગંભીર ઈજા પામેલા પ્રવિણભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના જમાદાર એમ.જી. ગોસ્વામીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના નથુભાઈ મુસાભાઈ હિંગોરા ઉર્ફે ઈસ્માઈલભાઈ (ઉ.વ.પ૦) ગઈ તા.૨૩ની સવારે પોતાના ઘરે પાંચેક વાગ્યે બાથરૃમ જવા માટે ઉંઘમાંથી ઉઠયા હતા. આ વેળાએ તેઓ ચક્કર આવતા પડી ગયા હતા. જેઓને સારવાર માટે ભાણવડ દવાખાને ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં આ પ્રૌઢનું ગઈકાલે મૃત્યુ થયું છે. પુત્ર સરફરાજ હિંગોરાએ પોલીસને જાણ કરી છે.
ઉપરાંત જામનગરના ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા ધયાબેન હનીફભાઈ નામના ત્રેવીસ વર્ષના યુવતી આજે સવારે પોતાના ઘરે પાણી ગરમ કરવા માટે હીટર ચાલુ કરવા ગયા ત્યારે તેઓને સ્વિચ બોર્ડમાંથી વીજળીનો જોરદાર આંચકો લાગતા આ મહિલા ફેંકાઈ ગયા હતા. તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી, પરંતુ તે મહિલાનું મૃત્યુ નિપજ્યું છે.
અને જામનગર તાલુકાના વિજરખી ગામના મોહનભાઈ દેવાભાઈ વાઘેલા નામના છવ્વીસ વર્ષના કોળી યુવાન ગઈ તા.૨૭ની સાંજે સાતેક વાગ્યે પોતાના જીજે-૧૦-સીએચ ૯૯૦૯ નંબરના મોટરસાયકલ પર જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા મોટા થાવરિયા ગામ પાસેથી પસાર થતા હતા. આ વેળાએ અચાનક જ રોડ પર એક દોડતો ખુંટિયો આડો ઉતરતા મોહનભાઈ મોટરસાયકલ સાથે ખુંટિયાને અથડાયા હતા. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા મોહનભાઈને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. પોલીસે ચનાભાઈ રવજીભાઈ કોરિયાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.