જામનગર સહિત અકસ્માતના બે બનાવમાં વૃધ્ધ અને વૃધ્ધાને નાની-મોટી ઇજા 

 જામનગર મોર્નિંગ - જામનગર તા.૪ : જામનગરના દરેડ અને શહેરમાં અકસ્માતના બનાવમાં વૃધ્ધ અને વૃધ્ધાને નાની-મોટી ઇજા પહોંચતા બંને બનાવ અંગે ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના સમર્પણ હોસ્પિટલ વિસ્તાર પાછળ આવેલા બાલમુકુંદનગરમાં રહેતા રતિલાલ લક્ષ્મણભાઈ કણઝારિયા નામના સતવારા વૃદ્ધ જીજે-૧૦-એએલ ૩૫૦૪ નંબરનું બાઈક લઈને ગઈકાલે સવારે મહાવીર સર્કલ પાસેથી જતાં હતા ત્યારે તેઓને જીજે-૧૦-ટીટી ૭૨૩૬ નંબરના ટ્રકે ઠોકર મારતા હાંસળીમાં ફ્રેકચર સહિતની ઈજા સાથે રતિલાલને દવાખાને ખસેડવામાં આવ્યા છે.
જયારે જામનગર તાલુકાના સિક્કાના કારા-ભુંગામાં રહેતા મરીયમબેન અનવરભાઈ ભોકલ નામના સિત્તેર વર્ષના વૃદ્ધા ગઈકાલે બપોરે પોતાના સંબંધી સાથે દવા લેવા માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં તેઓને વચ્ચેના દરવાજા નજીક એક અજાણ્યા મોટરસાયકલે ઠોકર મારી ફંગોળી દેતા ફ્રેકચર સહિતની ઈજા પામેલા મરીયમબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.