જામનગર મોર્નિંગ - જામનગર તા.૪ : જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા અને એગ્રોની દુકાન ચલાવતા એક વેપારી યુવાનને ચંગા ગામના જ બે શખ્સોએ સૌપ્રથમ વાડીએ બોલાવી ધાકધમકી આપી બાઇકમાં તોડફોડ કર્યા પછી ફરીથી મોબાઈલ ફોનમાં ધમકી આપતા તેઓના ડરના તેમજ ત્રાસના કારણે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે જેને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે બે શખ્સો સામે ગુન્હો દાખલ કરાયો છે.
જામનગર તાલુકાના ચંગા ગામના વાડી વિસ્તારમાં રહેતા નિલેશભાઈ ભૂરાભાઈ મોઢવાડિયા નામના છત્રીસ વર્ષના મેર યુવાને ગઈકાલે ચંગાની સીમમાં જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેની તાત્કાલિક થયેલી અસરથી નિલેશભાઈ બેશુદ્ધ બની ઢળી પડયા હતા જેની જાણ તેમના પિતા ભૂરાભાઈ સીદીભાઈ મોઢવાડિયાને થતા તેઓએ નિલેશભાઈને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા નિલેશભાઈએ અંતિમ શ્વાસ લેતા ભૂરાભાઈએ પોલીસને જાણ કરી હતી. આ બાબતની વિગતો મળતા પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.આર. વાળા તથા સ્ટાફ દોડી ગયા હતા. તેઓએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી પિતા ભૂરાભાઈ સીદીભાઈનું નિવેદન નોંધ્યું હતું જેમાં તેઓએ જણાવ્યા મુજબ મૃતક નિલેશભાઈને એકાદ અઠવાડિયા પહેલા ચંગાની સીમમાં રહેતા રામદે હરભમ ઓડેદરા તથા મૂળ પોરબંદરના પાડાવદર ગામના વતની પ્રતાપ માલદે મોઢવાડિયાએ મોબાઈલ પર કોલ કરી મળવા માટે રામદેની વાડી પાસે બોલાવ્યા હતા. ત્યાં પ્રતાપ તથા રામદેએ બોલાચાલી કરી નિલેશભાઈને તું અમારી પત્નીઓ સાથે સંબંધની વાતો કેમ કરે છે તેમ કહી ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત નિલેશભાઈ જે મોટરસાયકલ લઈને ગયા હતા તે મોટરસાયકલમાં નુકસાની સર્જી હતી. આ શખ્સોના ઉપરોક્ત વર્તનથી નિલેશભાઈ હેબતાઈ ગયા હતા તે દરમ્યાન ગઈકાલે નિલેશભાઈને ઉપરોક્ત શખ્સોએ મોબાઈલ પર ફરીથી કોલ કરી દુકાન ખોલતો નહીં, નહીંતર તને મારી નાખીશું તેવી ધમકી આપતા પોતાનું જીવન દોહ્યિલું બની ગયું હોવાનું માની નિલેશભાઈએ આત્મહત્યાનો કઠોર નિર્ણય કરી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પોલીસે પિતા ભૂરાભાઈના નિવેદનના આધારે ઉપરોકત બન્ને શખ્સો વિરૃદ્ધ આઈપીસી ૩૦૬, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.
0 Comments
Post a Comment