જામનગરના ટીટોડી વાડી વિસ્તારમાંથી સળગેલી યુવાનની લાસ મળતા ચકચાર પથ્થર વડે કોઈએ ઢીમ ઢાળી દીધાની આશંકા : હત્યા અંગે ગુન્હો નોંધવા પોલીસ દ્વારા તજવીજ 

 જામનગર મોર્નિંગ : જામનગર તા.૪ : જામનગર શહેરમાં ગઈકાલે સાંજના સુમારે ટીટોડી વાડી વિસ્તારમાં સળગેલી હાલતમાં પુરૂષમૃતદેહ મળી આવતા આ ઘટનાની જાણ થતા સીટી એ પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ દરમ્યાન આ અજાણ્યા પુરૂષની કોઈએ હત્યા નિપજાવી બાદમાં સળગાવી   નાખતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવમાં અજાણ્યા પુરૂષની હત્યા કોણે નિપજાવી છે તેમજ ક્યાંનો રહેવાસી છે તેની ઓળખ મેળવવા સહિતની અને અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ શહેરમાં ટીટોડી વાડી વિસ્તારથી આગળ દોઢેક કિમિ જતા જમણા હાથ પર આવેલ વાડી વિસ્તારમાં નદી અંદર કોઈ યુવાનની લાસ સળગેલી હાલતમાં પડી હોય જે અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પીઆઇ બુવડ તથા પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સળગેલી હાલતમાં પડેલ આ યુવાન ક્યાંનો રહેવાસી અને કોણ છે તે સહિતની તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનને માથાના ભાગે કોઈએ પથ્થર વડે પ્રહાર કરી ઢીમ ઢાળી દીધાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. અને બાદમાં આ યુવાનને સળગાવી નાખી હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયાનું જાણવા મળે છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા ફોરેન્સિક લેબોરેટરી અને ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી છે. દરમ્યાન મૃતક યુવાન હિન્દૂ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને મૃતકની વિકૃત હાલતમાં પડેલી લાશને પીએમ અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હત્યાના આ બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે હાલ તો પોલીસ દ્વારા જુદી-જુદી દિશામાં યુવાનની ઓળખ મેળવવા સહિત તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.