ટોઇંગના મુદ્દે પોલીસ-વેપારીઓ વચ્ચે બેઠક યોજાતા મામલો થાળે પડ્યો હડતાલનું એલાન મોકુફ 

જામનગર મોર્નિંગ - જામનગર તા.15 : જામનગરમાં બર્ધનચોક વિસ્તારમાં ગુરુવારે ટ્રાફિક શાખાની કોન્ટ્રાકટર દ્વારા વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ટોઇંગ કરી લઇ કનડગત કરાતા વેપારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી અને વિરોધ કરવા માટે વેપારીઓ દ્વારા શનિવારે બંધનું એલાન અપાયું હતું. જે મુદ્દે ગઈકાલે પોલીસ દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજી યોગ્ય કરવાની ખાત્રી આપતા બંધનું એલાન મોકુફ રખાયું હતું.
જામનગરની ટ્રાફિક શાખા દ્વારા શહેરમાંથી આડેધડ પાર્ક કરેલા વાહનોને ટોઇંગ કરવા માટેનો કોન્ટ્રાકટ ખાનગી પેઢીને સોંપવામાં આવ્યો છે. જેના કર્મચારીઓ દ્વારા ગુરુવારે સાંજે કેટલાક વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ટોઇંગ કરી લઇ કનડગત કરતા બર્ધનચોક વિસ્તારના વેપારીઓ નારાજ થયા હતા અને 100 જેટલા વેપારીઓએ વીજળીક હડતાલ પાડી હતી અને મીટીંગનો દોર હાથ ધરી શનિવારે બર્ધનચોક વિસ્તારને બંધ રાખવા નિર્ણય કરાયો હતો અને રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરવા માટેનું આયોજન કરાયું હતું.
જે જાહેરાત પછી જામનગરનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જામનગરના વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના ઉપરાંત બર્ધનચોક વેપારી એસોસિએશનના ભોલાભાઈ, રમેશભાઈ વગેરે સાથે જામનગર શહેરના ડીવાયએસપી એ.પી. જાડેજાની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક શાખાના પીઆઇ સીટી એ ડિવિઝનના પીઆઇ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં જાહેર માર્ગો ઉપર વાહન પાર્ક કરવા પીળા પટ્ટા બનાવી આપવા અને વાહન પાર્કીંગની સુવિધા અને તેના જરૂરી બોર્ડ મુકવા સહિતની કાર્યવાહી હાથ ધરવા ઉપરાંત વાહનોને ટોઇંગ કરવા સહિતના પ્રશ્ને ચર્ચા કરી વેપારીઓની માંગણી બાબતે સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું જેથી વેપારીઓ દ્વારા શનિવારે અપાયેલુ બંધનું એલાન મોકુફ રખાયું છે અને તમામ વેપારીઓને પોતાના વેપાર ધંધા ચાલુ રાખવા જાહેરાત કરી દેવાઈ છે.