જામનગરમાં બીમારી સબબ એસએસઆઈનું મૃત્ય નીપજ્યું : અન્ય બે પ્રૌઢના બીમારી સબબ મોત નિપજ્યાનું જાહેર
જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરમાં પોલીસ વિભાગમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા કર્મચારીનું અને અન્ય એક પ્રૌઢનું હ્નદયરોગની બીમારી સબબ તથા અન્ય પ્રૌઢનું ડાયાબિટીસની બીમારીના કારણે મોત નિપજતા ત્રણેય બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરના શરૃ સેકશન રોડ પર આવેલા પોલીસ હેડ કવાર્ટરમાં બ્લોક નં.બી/૧૧/૧૪૪માં રહેતા અને જામનગરના પોલીસબેડામાં એએસઆઈની ફરજ બજાવતા તેમજ હાલમાં સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા અશોકભાઈ બાબુલાલ બગથરિયા (ઉ.વ.૫૬)ને પાંચેક વર્ષ પહેલા હૃદયરોગનો હુમલો આવ્યો હતો તે પછી અશોકભાઈ જી.જી. હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાંથી સારવાર મેળવી રહ્યા હતા તે દરમ્યાન ગઈકાલે રાત્રે અશોકભાઈને છાતીમાં એસિડીટી જેવી બળતરા શરૃ થતા પુત્ર કિશનભાઈએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે અશોકભાઈને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને વાકેફ કરવામાં આવી છે. મૃતક એએસઆઈ બે વર્ષ પછી ફરજમુક્ત થવાના હતા અને લાંબા સમયની પોલીસ તંત્રમાં તેઓની નોકરી દરમ્યાન સ્વભાવ અને તેઓની કામ કરવાની સરળ પદ્ધતિના કારણે પ્રાપ્ત થઈ શકેલું શુભેચ્છકોનું બહોળું વર્તુળ શોકમગ્ન બન્યું છે.
જયારે જામનગરના રાંદલનગર વિસ્તારમાં આવેલા હાઉસીંગ બોર્ડના બ્લોક નં.૧રમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભીખુભા રતુભા ચુડાસમા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢને લાંબા સમયથી હૃદયરોગની બીમારી લાગુ પડી હતી જેની સારવાર ચાલુ હતી તે દરમ્યાન ગઈકાલે સાંજે ભીખુભાને ગેસ ચઢતા ગભરામણ થવા લાગતા પરિવારજનોએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ પ્રૌઢને મૃત્યુ પામેલા જાહેર કરતા પુત્ર રાજવીરસિંહ ચુડાસમાએ પોલીસને જાણ કરી છે. સિટી-બી ડિવિઝનના જમાદાર એચ.એમ. વાઢેરે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરાંત જામનગરના કડિયાવાડમાં આવેલી ટીંબાફળીમાં રહેતા ભરતભાઈ મુળજીભાઈ ભટ્ટી નામના કડિયા પ્રૌઢ દસેક વર્ષથી ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરની બીમારીથી પીડાતા હતા. તેઓ ગઈકાલે બેભાન બની જતાં અને તબીયત લથડી જતાં પુત્ર અજયભાઈએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં સારવાર દરમ્યાન ભરતભાઈનું મૃત્યુ થયું છે.
0 Comments
Post a Comment