સડોદરમાં રસ્તામાં બળદ આડો ઉતરતા મરડ ગામના મોટરસાઇકલ ચાલકનું મોત સારવર દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દમ તોડી દીધો 

 જામનગર મોર્નિંગ - જામનગર તા.૪ : ધોરાજી તાલુકાના મરડ ગામના યુવાનનું સડોદર ગામે મોટરસાઇકલ ચલાવી જતો વેળાએ બળદ આડો ઉતરતા પડી જવાથી ગંભીર ઇજાના કારણે મોત નિપજતા સ્થાનિક પોલીસે આ બનાવની આગળની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મરડ ગામના દિલીપભાઈ ગોવિંદભાઈ વાઘેલા ગઈ તા.૩ નવેમ્બરની સાંજે  પોતાના મોટરસાયકલ પર જામજોધપુર તાલુકાના સડોદર ગામ આવવા માટે રવાના થયા હતા. આ મોટરસાયકલ સડોદર નજીક પહોંચ્યું ત્યારે રસ્તા પર એક બળદ આડો ઉતરતા દિલીપભાઈ મોટરસાયકલ સાથે બળદને ભટકાઈ પડયા હતા. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા દિલીપભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી ગોકુલ હોસ્પિટલમાં લઈ જવાયેલા ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યાનું અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનને જણાવવામાં આવતા અમદાવાદ પોલીસે તેના કાગળો તૈયાર કરી શેઠવડાળા પોલીસ સ્ટેશનને મોકલી આપ્યા છે.