પોલીસના ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર : સુસાઇડ નોટમાં ત્રણ પોલીસ કર્મચારીના નામ દર્શાવાયા : ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી પીસની માંગણી કર્યાનો આક્ષેપ 

જામનગર મોર્નિંગ - જામનગર : આ આત્મહત્યાના પ્રયાસમાં યુવાને ત્રણ પોલીસ કર્મીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની  ધમકી આપી ત્રાસ ગુજારવા સબબ ત્રણ પોલીસ કર્મચારીના નામ દર્શાવતા ધ્રોલ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તેમજ યુવકના નિવેદનના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગત મુજબ ધ્રોલમાં રહેતા હરપાલસિંહ આર. જાડેજા નામના ગરાસિયા યુવાન ગઈકાલે રાત્રે ધ્રોલમાં ખારવા રોડ પર હતા ત્યારે તેમના મિત્ર બ્રિજરાજસિંહ ઉર્ફે બી.કે.નો તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો જેમાં તેઓએ તેડી જવા માટે કહેતા મિત્રતાના દાવે હરપાલસિંહ પોતાનું વાહન લઈને બી.કે.ને તેડવા માટે ગયા હતા જ્યાંથી નીકળ્યા પછી ધ્રોલના ત્રિકોણ બાગ પાસે આવેલી નોનવેજની એક રેંકડીએ બી.કે.એ ઉતારી દેવાનું કહેતા હરપાલસિંહએ તે તરફ વાહન વાળ્યું હતું. તે દરમ્યાન માર્ગમાં પોલીસે તેઓનું વાહન ઉભું રખાવી તલાશી લેતા બ્રિજરાજસિંહ પાસેથી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી. આથી પોલીસે હરપાલસિંહ તથા બ્રિજરાજસિંહને પોલીસ સ્ટેશન ખસેડયા હતા જ્યાં હરપાલસિંહના કહેવા મુજબ એક પોલીસ કર્મચારીએ હરપાલસિંહના પોતે કાંઈ જ ન જાણતા હોવાનું કહેતા હોવા છતાં રૃા.ર૦ હજારની માગણી કરી હતી, પરંતુ હરપાલસિંહએ પોતાની પાસે પૈસા ન હોય પોતાના મિત્રોને પૈસા આપવા માટે ફોન કર્યા હતા. આ વેળાએ ત્યાં આવેલા હરપાલસિંહ તરફના એક વ્યક્તિએ સવારે પૈસા પહોંચાડી દેવાનું કહેતા તેઓને જવા દેવામાં આવ્યા હતા. ત્યાર પછી પોતે ઉપરોકત બાબતમાં ક્યાંય સામેલ ન હોવા છતાં આવી રીતે પૈસા આપવાના થતા માઠું લાગી આવતા હરપાલસિંહએ પોતાના હસ્તાક્ષરથી એક ચિઠ્ઠી લખી આજે સવારે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે ચકચાર જાગી છે.