બર્ધનચોકમાં વાહનો ઉપાડવાના મુદ્દે વેપારીઓએ બંધ પાળ્યો

જામનગર મોર્નિંગ તા.૧૪ : જામનગરમાં ટ્રાફિક પોલીસે શહેરમાંથી આડેધ પાર્ક થયેલા વાહનો ઉપાડવા ભાડે રાખેલા ટોઇંગ વાહનના કોન્ટ્રાક્ટરોના સ્ટાફ પોલીસની સૂચના બાદ દરબારગઢથી બર્ધનચોક સુધીના વિસ્તારમાં બે-ત્રણ વાર ત્રાટકીને લોકોને વાહન ઉપાડવાની કામગીરીના વિરોધમાં આ વિસ્તારના વેપારીઓએ વીજળીક હડતાલ પાડીને વિરોધ વ્યક્ત કરતા સતત ધમધમતા આ વિસ્તારમાં સોપો પડી ગયો હતો. 
જામનગરની ટ્રાફિક શાખાના કોન્ટ્રક્ટરોના વાહનોએ શહેરના તમામ વિસ્તારોને છોડીને માત્ર બર્ધનચોક વિસ્તારમાં જ વારંવાર ત્રાટકીને દુકાનોમાં ખરીદી કરવા ગયેલા વાહનો ઉપાડવાની પ્રક્રિયા આદરતા વેપારીઓએ કોન્ટ્રાક્ટરોના માણસોને આમ કરીને ગ્રાહકોને ભગાડી નહીં દેવા રજુઆત કરતા બોલાચાલી થઇ હતી. તેથી આ વિસ્તારના 100 જેટલા વેપારીઓએ વીજળીક હડતાલ કરીને દુકાનો બંધ કરી દેતા આ વિસ્તારમાં સોપો પડી ગયો હતો.
વેપારીઓના એસોસિએશનના હોદેદારો ભોલાભાઈ  સિંધી, સુરેશભાઈ સહિતના વેપારીઓએ એકઠા થઈ આ મામલે એસપીને રજુઆત કરવા બેઠક બોલાવી હતી. આ અંગે ટ્રાફિક શાખાના પીઆઇ સિધ્ધાર્થરાજ આનંદે જણાવ્યું હતું કે, એકલા વાહન પાર્કિંગ સામે નહીં પરંતુ જે કોઈ ટ્રાફિકને અવરોધરૂપ થતા હશે તેવા પથારાવાળા, રેંકડીવાળા સહિતનાઓ સામે કાયદા મુજબની જ કાર્યવાહી કરવામાં આવશે.