સંયુક્ત સચિવ અનિલ પટેલ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ કિશોર નથવાણીની ભારે ખળભળાટ મચાવતી ઓડિયો ક્લિપ : પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ અને ટુરિઝમ વિભાગમાં બધા ચોર ભેગા થઇ ગયા છે : સીબીઆઈ, આઈબી, એસીબી ગમ્મે તેને કહો બધાની મીલીભગત છે, સબ સહિયારુ ચાલે છે : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ પર બુધવારે સવારથી બંધ કરી દેવામાં આવી! : દ્વારકા, પાવાગઢ, બહુચરાજી સહિત આસ્થા સ્થાનોના કરોડો રૂપિયાના કામોમાં લોટ પાણીને લાકડાં, સરકારમાં જ બધા ચોર છે, અધિકારીની વ્યથા  

વાયરલ ઓડિયોમાં ચોંકાવનારી વિગતો 
કિશોર નથવાણી : હેલ્લો પટેલ સાહેબ 
અનિલ પટેલ : બોલો, ભાઈ
કિશોર નથવાણી : સાહેબ કિશોર નથવાણી વાત કરું છું, આરટીઆઈ એક્ટિવિસ્ટ 
અનિલ પટેલ : બોલો ભાઈ 
કિશોર નથવાણી : સાહેબ એક રજુઆત આપને એવી હતી કે પેલું પાવાગઢ જે કામ ચાલે છે ને સવાસો કરોડ રૂપિયાનું, સાહેબ એ કામ ખુબ જ નબળી કક્ષાનું થાય છે. અમે ગયા હતા ત્યાં, એટલે મેં કીધું પહેલા ફોન ઉપર આપને જાણ કરી દઈ કે આવું આવું ચાલે છે ત્યાં... 
અનિલ પટેલ : શું કરીએ હવે, એટલા બધા ભ્રષ્ટાચારીઓ યાત્રાધામમાં વધી ગયા છે કે હવે કોને કહેવું ને કોને નહીં.. 
કિશોર નથવાણી : નહીં સાહેબ, સવાસો કરોડનું કામ છે..
અનિલ પટેલ : વાત સાચી છે, તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છુ, કાંઈક તો ઈલાજ લોકોએ જ લરવો પડશે. પ્રોજેક્ટ તૈયાર કર્યા પછી છેલ્લા બે વર્ષથી ડીપાર્ટમેન્ટમાંથી નીકળી ગયો છુ, એટલે હવે ત્યાં એવા ચૌદશીયા ઘુસ્યા છે કે તેમને પૈસા સિવાય રસ જ નથી...
કિશોર નથવાણી : આ કામ આર એન્ડ ડી કામ કરે છે...
અનિલ પટેલ : આર એન્ડ ડી કરે છે પણ ટુરિઝમ સાથે કામ કરે છે એટલે કે લોચો છે, ટુરિઝમમાં બધા ચોર ભરાઈ ગયા છે એટલે આ ધંધો કરે છે ભેગા થઈને...
કિશોર નથવાણી : તો સાહેબ હવે હું શું કરું?
અનિલ પટેલ : તમે કોને કહેશો મને તો એ જ ચિંતા થાય છે કેમ કે બધા ચોર છે, તમે મિનિસ્ટરને કહેવા જશો તો એ પણ એની સાથે જોડાયેલો છે, તમે સીબીઆઈને કહો કે આઈબી ને કહો એ બધાની મીલીભગત છે, અત્યારે તેનો ઈલાજ એક જ છે તમે બધા પુરાવા ભેગા કરીને મીડિયામાં નાખો, મીડિયામાં બહાર આવશે તો જ ઈલાજ થશે....
કિશોર નથવાણી : આજે સાંજે પહેલા આ પુરાવા એસીબીને આપી દઉં...
અનિલ પટેલ : એસીબીમાં પણ કોઈ વ્યવસ્થિત માણસને આપજો... 
કિશોર નથવાણી : આમાં કોણ કોણ સંડોવાયેલું હોઈ શકે?
અનિલ પટેલ : આમાં તો બધા જ સંડોવાયેલા જ હતા એટલે જ હું હટી ગયો 
કિશોર નથવાણી : અત્યારે ટુરિઝમમાં કોણ જવાબદાર હશે? 
અનિલ પટેલ : અત્યારે તેમાં કોઈ હૈદર નામની વ્યક્તિ સંભાળે છે.
કિશોર નથવાણી : સાહેબ આ કામ આર એન્ડ ડી વિભાગ સંભાળી શકે ?
અનિલ પટેલ : સરકારની એવી ઈચ્છા હતી કે આર એન્ડ ડી વિભાગ પાવાગઢનું કામ રાખે 
કિશોર નથવાણી : તો તો સાહેબ આ અંગેના પુરાવા મુખ્યમંત્રી રૂપાણીને પણ મોકલુને ?
અનિલ પટેલ : હા, હા બધાને મોકલજો જેથી તેમને પણ ખબર પડે કેવું કેવું ચાલે છે.   

હિંદુવાદના મુદ્દે ગુજરાતની ગાદી ઉપર 22 વર્ષથી શાસન કરતી સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસ માટે બનાવેલા યાત્રાધામ વિકાસ બોર્ડના કામોમાં કરોડો રૂપિયાનો પાપાચાર આચરાતો હોવાની એક અધિકારીની સ્ફોટક ઓડિયો કલીપ વાઈરલ થતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે અને આ ઓડિયોકલીપ સાંભળનાર ‘ભકતો’ને જબરો આઘાત લાગ્યો છે. જોકે, આ ઓડિયો કલીપ સાચી છે કે, ખોટી તે અંગે કોઈ સતાવાર વિગતો જાણવા મળી નથી.
હિંદુવાદના નામે રોટલા શેકતી રાજ્ય સરકારના જવાબદાર વિભાગમાં યાત્રાધામોના વિકાસકામો માટે ફાળવવામાં આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં કઈ રીતે લૂંટફાટ ચાલી રહી છે અને કયા કયા યાત્રાધામોના વિકાસ કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તે અંગેની ચોંકાવનારી વિગતો ઓડિયો કલીપમાં જાહેર થઈ રહી છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ટુરીઝમ વિભાગમાં ચારેબાજુ ચોર ભરાઈ ગયાનું અધિકારી કબુલતા જણાય છે અને નીચેથી માંડી મંત્રી સુધીના લોકો યાત્રાધામોના વિકાસના નામે પોતાનો વિકાસ કરી પાપાચાર આચરતા હોવાનું સ્પષ્ટ થાય છે.
આ સ્ફોટક ઓડિયોકલીપમાં એક આર.ટી.આઈ. એકટેવીસ્ટ અને સંયુકત સવિચ કક્ષાના અધિકારી વચ્ચેનો 8.49 મિનિટનો વાર્તાલાપ કેદ છે અને આ અધિકારીએ ભ્રષ્ટાચારીઓના કારણે જ બે વર્ષ પહેલા યાત્રાધામ વિકાસ બોર્ડ છોડી દીધાનું જણાવાય છે. 
સૌથી આઘાત જનક બાબત તો એ છે કે, વિશ્ર્વભરના હિંદુઓના આસ્થાના કેન્દ્રસમાન દ્વારકામાં મંદિર આસપાસના વિકાસકામોમાં પચાસેક કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યાનું આ ઓડિયોકલીપમાં સંયુકત સચિવ કક્ષાના અધિકારી જણાવી રહ્યા છે. તેમજ પાવાગઢમાં રૂા.125 કરોડના કામોમાં પણ રૂા.45થી 60 કરોડનો પાપાચાર આચરાઈ રહ્યાનું જણાવે છે.
ઓડિયો કલીપમાં ભ્રષ્ટાચારીઓની સિન્ડીકેટ સામે એટલી લાચારી દર્શાવે છે કે, આ...નુ કાંઈ નહીં થાય ભાઈ... આનો ઈલાજ લોકોએ જ કરવો પડશે તેમ જણાવી રહ્યા છે, તમે કોને (ફરિયાદ) કહેશો ? કારણ કે બધા ચોર છે, ટુરિઝમ વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં બધા ચોર ભેગા થઈ ગયા છે, સી.બી.આઈ, સી.આઈ.ડી કે, એસી.બી.. ગમ્મે તેને કહો બધાની મિલીભગત છે. સબ સહિયારુ ચાલે છે. વિગેરે જેવા વાર્તાલાપમાં મંત્રી સુધ્ધીનો ઉલ્લેખ ઓડિયોકલીપમાં સાંભળવા મળી રહ્યો છે.
ઓડિયો કલીપમાં આ અધિકારી ભ્રષ્ટાચાર સામે ભારે આક્રોશ સાથે વલોપાત ઠાલવતા જણાવે છે કે, યાત્રાધામ વિકાસબોર્ડમાં એટલા બધા ભ્રષ્ટાચારી ઘુસી ગયા છે કે કોને કહેવું અને કોને ન કહેવુ ? આ ડીપાર્ટમેન્ટમાં એવા.... ઘુસી ગયા છે કે, તેને પૈસા સિવાય કોઈ 
વાત નથી.
આર.ટી.આઈ.એક્ટીવિસ્ટ અને સંયુકત સચિવ દરજ્જાના આ અધિકારી વચ્ચેની ઓડિયો કલીપ વાઈરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે અને આ ઓડિયો કલીપ સાચી છે કે, ખોટી તે અંગે પણ રાજ્ય સરકારે તટસ્થ ન્યાયિક તપાસ યોજી યાત્રાધામોના વિકાસકામોમાં પાપાચાર આચરતા પાપીઓને ઉઘાડા પાડવા જોઈએ તેવી લાગણી અને માગણી ઉઠવા પામી છે.
આ ગંભીર પાપાચારના પ્રકચરણમાં પણ તપાસ થશે કે, ઓડિયો કલીપને ખોટી - બનાવટી બતાવી ઢાંકપી છોડો કરી દેવાશે ? તેવા સવાલો પણ અત્યારથી જ ઉઠવા પામ્યા છે. અન્ય કામોમાં ચાલતો ભ્રષ્ટાચાર લોકોએ સહન કરી લીધો હોય તેવી સ્થિતિ છે પરંતુ કરોડો લોકોની આસ્થાના કેન્દ્રોમાં આચરવામાં આવેલો પાપાચાર લોકો સહન કરી શકશે કે કેમ ? તે પણ એક સવાલ છે.

પાવાગઢમાં 45 થી 60 કરોડ ખાઈ જશે
પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા યાત્રાધામ પાવાગઢ ખાતે ચાલી રહેલ રૂા.125 કરોડના વિકાસ કામોના પ્રશ્ર્ને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટે સંયુકત સચિવ કક્ષાના અધિકારીએ મોબાઈલ કરી હોવાનું ઓડિયોકલીપ પરથી સમજાય છે. આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ પાવાગઢમાં રૂા.125 કરોડનું કામ ખુબ જ હલકી ગુણવતાનું થતુ હોવાની અને આ કામમાંથી રૂા.45 કરોડથી રૂા.60 કરોડ જેવી રકમ ખવાઈ જશે તેવી ફરિયાદ કરે છે. સામા છેડેથી અધિકારી કહે છે કે, હું તમારી સાથે સંપૂર્ણ સહમત છું. આનો કોઈ ઈલાજ નથી, યાત્રાધામમાં એટલા બધા ભ્રષ્ટાચારી ઘુસી ગયા છે કે કોને કહેવુ અને કોને ન કહેવું ? આ પ્રોજેકટ અમે જ તૈયાર કર્યો છે પરંતુ બે વર્ષથી હું આ વિભાગમાં ફરજ બજાવતો નથી. 

 78 કરોડના 125 કરોડ થઈ ગયા ?
ઓડિયો કલીપમાં પાવાગઢના વિકાસકામોના ભ્રષ્ટાચાર બાબતે વાર્તાલાપ થઈ રહ્યો છે તેમાં સંયુકત સચિવ કક્ષાના અધિકારી એવી ચોંકાવનારી વાત કરે છે કે, આ લોકોએ પહેલા તો રૂા.250 કરોડનો પ્રોજેકટ બનાવેલ પરંતુ મેં કાપીને માત્ર રૂા.78 કરોડનો તેના કરતા સારો પ્રોજેકટ બનાવ્યો હતો અને મંજુર પણ કર્યો હતો, આમ છતાં રૂા.78 કરોડના રૂા.125 કરોડ કઈ રીતે થઈ ગયા ? તે સમજાતુ નથી. આમા બધા જ ઈનવોલ્વ છે આથી હું પ્રોજેકટમાંથી ખસી ગયો છું. આમ યાત્રાધામ પાવાગઢમાં રૂા.78 કરોડનો પ્રોજેકટ મંજુર થયો હોય તો રૂા.125 કરોડે કઈ રીતે પહોંચી ગયો ? શું વધારાના ખર્ચ માટે કેબીનેટ કે, મંત્રી કક્ષાએથી મંજુરી લેવાઈ હતી ? કે પછી ભ્રષ્ટાચારી ટોળકીએ કુલડીમાં ગોળ ભાંગી લઈ પોતાની રીતે પ્રોજેકટ કોસ્ટ વધાવી દીધા ? આવા અનેક નવા સવાલો ઉભા થયા છે.

 દ્વારકામાં 70-80 કરોડના પ્રોજેકટમાં 20-25 કરોડ જ વાપર્યા ?
ઓડિયો કલીપમાં સંયુકત સચિવ વલોપાત ઠાલવતા આર.ટી.આઈ. એકટીવીસ્ટને યાત્રાધામ દ્વારકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયાનું જણાવી રહ્યા છે. આ અધિકારી કહે છે કે, આ લોકોએ દ્વારકામાં પણ મંદિર આસપાસના રૂા.70થી 80 કરોડના પ્રોજેકટમાં બધુ ઉંધુ વાળી દીધુ છે. આ પ્રોજેકટમાં ગુણવતા એટલી બધી હલકી છે કે બધુ જર્જરિત થઈ ગયુ છે અને માંડ રૂા.20થી 25 કરોડ ખર્ચ્યા પછી બધુ ઉંધુ વાળી દીધુ છે. દ્વારકામાં બહુ ખરાબ હાલત છે.

રામેશ્ર્વરમાં 7 કરોડ વાપરી ખાધા ?
ઓડિયો કલીપમાં સુરત જિલ્લાના રામેશ્ર્વર ખાતે યાત્રાધામ વિકાસના નામે રૂા.7 કરોડના કૌભાંડનો ઉલ્લેખ કરાયો છે. અધિકારી ભારે આક્રોશભેર એવુ જણાવે છે કે રામેશ્ર્વરમાં તાપી કિનારે આ લોકોએ મોટુ કૌભાંડ આચર્યું છે. માંડ રૂા.50 લાખનું કામ થયું છે અને રૂા.7 કરોડ વાપરી ખાધા છે. કામ પુરુ થઈ ગયું અને બીલ પણ ચુકવાઈ ગયા છે. હવે બીજા રૂા.7થી 8 કરોડનો પ્રોજેકટ અહીં ચાલી રહ્યો છે. આ પ્રોજેકટ અત્યંત ખરાબ છે. 


 શબરીધામમાં 12 કરોડ ખર્ચી પથ્થરનું જંગલ ઉભુ કરી નાખ્યું
ઓડિયો કલીપમાં ડાંગ જિલ્લાના સુવિખ્યાત ધર્મસ્થળ શબરીધામનો પણ ઉલ્લેખ થાય છે. આ વિશે અધિકારી જણાવે છે કે, શબરીધામમાં રૂા.12 કરોડ ખર્ચીને જંગલની જગ્યાએ પથ્થરનું જંગલ ઉભુ કરી નાખ્યું છે. અહીં પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે. આ ઉપરાંત બહુચરાજીમાં પણ આખો પ્રોજેકટ જર્જરિત થઈ ગયાનો અને તેની દુકાનો પણ જર્જરીત થઈ જતા કૌભાંડ થયાનું જણાવાય છે.

ઉચ્ચ અધિકારીએ ભરતી કૌભાંડ દબાવી દીધું?
આ અધિકારી કહે છે કે મેં એક ભરતી કૌભાંડ બહાર પાડ્યુ અને ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોર્યું તો તેણે કૌભાંડીયાઓને પકડવાના બદલે એવી જાહેરાત કરી દીધી કે આવી ભરતી અમારી નથી. અખબારોમાં ભરતી માટે કોણે જાહેરાત આપી ?, 25 હજાર ભરતી કરવાની હતી , તો આવી જાહેરખબરો આપનારને પકડવાના બદલે ઉચ્ચ અધિકારીએ જાહેરાત કરી દીધી કે આવી ભરતી અમારી નથી. કૌભાંડીયાઓને છટકી જવાનો મોકો અપાયો. કોઈ પગલા ભરાયા નહીં.