જામનગરના યુવાનનો અકળ કારણસર ગળેફાંસો
ધ્રોલના યુવાનની કેરોસીન છાંટી આત્મહત્યા : વૃધ્ધનું પડી જતા અને વૃધ્ધાનુ છાતીમાં દુખાવાથી મોત
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં યુવાનએ ગળાફાંસો ખાઈ તથા ધ્રોલના યુવાને અગ્નિસ્નાન કરી અને જામનગરના જ વૃધ્ધનુ પડી જતા વૃધ્ધાનુ છાતીમાં દુખાવાથી મોત નિપજતા તમામ બનાવ અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં બેડેશ્વર નજીક વૈશાલી નગર શેરી નં. 2માં રહેતા હિતેષ રમેશભાઈ ચૌહાણ નામના 48 વર્ષના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર સરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું આ બનાવ અંગે મૃતકના પિતાએ પોલીસને જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
જયારે જામનગર જિલ્લાના ધ્રોલમાં વજેરી શેરીમાં રહેતા ઈરફાન બસીરભાઈ ડોસાણી નામના 30 વર્ષના યુવાને પોતાના ઘેર કાયા પર કેરોસીન રેડી અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર પછી તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ ઈન્દ્રીસ બસીરભાઈ ડોસાણીએ પોલીસને જાણ કરતા ધ્રોલ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકની પત્ની અવાર-નવાર પોતાના માવતરે રિસામણે ચાલી જતી હતી જેથી તેનું માઠું લાગી આવતા જિંદગીનો અંત લાવી દેવા માટે અગ્નિસ્નાન દ્વારા આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું છે.
તથા જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં. 49માં આશાપુરા માતાજીના મંદિર પાસે રહેતા અને નિવૃત જીવન જીવતા શંભુભાઈ પ્રેમજીભાઈ ગોરી નામના 75 વર્ષના બુઝુર્ગ સવારે નવેક વાગ્યે પોતાના ઘરમાં સીડી પરથી નીચે ઉતરી રહ્યા હતા જે દરમ્યાન તેઓ એકાએક નીચે પટકાઈ પડ્યા હતા અને તેઓને ગંભીર પ્રકારની ઇજા થઇ હતી.
જેથી તેઓએ 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના પુત્ર રાજેશ શંભુભાઈ ગોરીએ પોલીસને જાણ કરતા પોલીસે તેમના મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
અને જામનગરમાં પંચવટી ખાતે રહેતા મૃદુલાબેન મનહરલાલ નામના 82 વર્ષના વૃધ્ધાનું છાતીમાં દુખાવાથી મોત નિપજતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
0 Comments
Post a Comment