જામનગરના લીમડાલેન જેવા ભરચક વિસ્તારમાં એક શોપીંગ સેન્ટરમાં ભીષણ આગથી અફડાતફડીનો માહોલ 

સેલરમાં પ્લાસ્ટિકના સેલમાં લાગેલી આગની લપેટો છેક ત્રીજા માળ સુધી પહોંચી : આઠ થી વધુ દુકાનો-ઓફિસો આગની લપેટમાં : ફાયર બ્રિગેડ ચોતરફ પાણીનો મારો ચલાવી વધુ આગ પ્રસરતી અટકાવી : લોકોના ટોળા એકત્ર થતા ટ્રાફિક જામ : પોલીસ તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું 

જામનગર મોર્નિંગ - જામનગર તા.15 : જામનગરમાં લીમડાલેન જેવા ભરચક વિસ્તારમાં આવેલા સિધ્ધનાથ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં સેલરના ભાગમાં આવેલા એક પ્લાસ્ટિકના સેલમાં અકસ્માતે આગ લાગી હતી જે આગે જોત-જોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ છેક ત્રીજા માળ સુધી પહોંચી હતી અને કોમ્પ્લેક્ષમાં આવેલી આઠ જેટલી દુકાનો ઓફિસો વગેરેને લપેટમાં લીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ ચોતરફ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. આગને કારણે લખો રૂપિયાનું નુકશાન થયું છે. આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ટ્રાફિક જામ થયો હતો. પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર કોમ્પલેક્ષને કોર્ડન કરી લીધું હતું.

મળતી વિગત મુજબ જામનગરના લીમડાલેન જેવા ભરચક વિસ્તારમાં આવેલા સિધ્ધનાથ કોમ્પ્લેક્ષના સેલરના ભાગમાં સિધ્ધનાથ પ્લાસ્ટીક સેલ આવેલું છે જે સેલની અંદર આજે સવારે સવા નવેક વાગ્યના અરસામાં અકસ્માતે આગ લાગી હતી જેમાં પ્લાસ્ટિકના માલસામાનનો મોટો જથ્થો પડ્યો હોવાથી જોત-જોતામાં જે આગે મોટુસ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ છે ક ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી અને આગના કારણે ધુમાડાના ગોટેગોટા ચોતરફ બહાર નીકળવા લાગ્યા હતા.

આ બનાવ પછી તુરંત જ  ઘટના સ્થળે  હાજર રહેલી કોઈ વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતા સૌપ્રથમ એક ફાયર ફાઇટર આવ્યું હતું. પરંતુ આગના  વિકરાળ સ્વરૂપને જોઈને ચીફ ફાયર ઓફિસર બિશ્નોય પોતાના 17 જેટલા ફાયર જવાનોને લઈને ચાર જેટલા ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોમર્શીયલ કોમ્પલેક્ષની ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત કોમ્પ્લેક્ષના અન્ય ભાગમાં પહોંચી રહેલી આગને કાબુમાં લઇ લેતા આગ વધુ પ્રસરતી અટકી ગઈ હતી સતત કલાકની જહેમત પછી મહદઅંશે આગને કાબુમાં લઇ લેવામાં સફળતા મળી હતી. 

ઉપરોક્ત આગના કારણે સેલરમાં રહેલું પ્લાસ્ટિકનું સામાન બળીને ખાખ થઇ ગયું હતું. ત્યારપછી આગ ઉપરના ભાગે પહોંચી હતી જ્યાં એક કોફીશોપ અને બે મોબાઈલ ફોનના શોરૂમમાં પહોંચી હતી અને ત્રણેય દુકાનો પણ સંપૂર્ણ પણે આગની લપેટમાં આવી ગઈ હતી. જે આગ પ્રથમ મળે પહોંચી હતી જ્યાં એક લોકલ કેબલ નેટવર્કની ઓફિસને લપેટમાં લઇ લીધી હતી. ત્યારપછી બીજા માળે આવેલા કોચીંગ ક્લાસ અને બાળકોના માલસામાનની દુકાન વગેરેને પણ આગની લપેટમાં લઇ લીધા હતા. જે આગના લબકારા ત્રીજામાળ સુધી પણ પહોંચ્યા હતા પરંતુ ફાયર બ્રિગેડે તે પહેલા આગને કાબુમાં લઇ લીધી હતી. 

ઉપરોક્ત ભીષણ આગના કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. આગના સમાચાર મળતાની સાથે જ કોમર્શીયલ કોમ્પ્લેક્ષના વેપારીઓ તેમજ અન્ય રાહદારી બહોળી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા અને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને લીમડાલેન વિસ્તારમાં ભારે ટ્રાફિક સર્જાયો હતો. જેથી પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વાહનવ્યવહાર પુર્વવત બનાવ્યો હતો. જયારે સમગ્ર સિધ્ધનાથ કોમ્પલેક્ષને કોર્ડન કર્યું હતું આ સમગ્ર કાર્યવાહી સરમ્યાન કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ માલ મિલ્કતને ભારે નુકશાન થયું છે. પીજીવીસીએલની ટુકડી દ્વારા સમગ્ર વિસ્તારનો વીજપુરવઠો બંધ કરી દેવાયો હતો. આ ઘટનાની જાણ થતા નગરના મેયર હસમુખ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા તેમજ અન્ય વેપારી અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આંગણું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સીક નિષ્ણાંતની મદદ લેવામાં આવી છે.