જ્ઞાતિ વચ્ચે સુલેહશાંતિનો ભંગ થાય તેવું કૃત્ય આચરતા પોલીસ ખુદ ફરિયાદી બની : કાર્યવાહીની માંગ સાથે દ્વારકા પ્રાંત કચેરીએ દલિત સમાજના લોકો આંદોલન પર ઉતર્યા 
જામનગર મોર્નિંગ - દ્વારકા : દેવભૂમિ-દ્વારકા જિલ્લાના નગરપાલિકાના સભ્ય અને અન્ય એક સહિત બે વ્યક્તિ સામે મીઠાપુર પોલીસે જ્ઞાતિ પ્રત્યે બોલાચાલી અને વૈમનસ્ય ઉભું થાય તથા દુશમનાવટ અને સુલેહશાંતિનો ભંગ કરવાનું કૃત્ય આચરતા બંને સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંનેએ દલિત યુવાનને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ અનુસંધાને દલિત સમાજના લોકો પ્રાંત અધિકારીની કચેરી ખાતે ધરણાં પર પણ ઉતર્યા છે.
મળતી વિગત મુજબ સુરજકરાડીમાં નગરપાલીકા પાછળ રહેતા સામાજિક કાર્યકર કમલેશભાઈ પીઠાભાઇ રોશીયા (ઉ.વ. 40)એ અલગ-અલગ ચાર અરજીઓ કરેલ હોય દરમિયાન બાલુભા હાથલએ પોતાના મોબાઈલ ફોનમાં કેશુભા માલાભા માણેકના મોબાઈલ ફોન પર અને ચેતનભા ભાવસીંગભા માણેકએ વાતચીત કરી કમલેશભાઈ રોશીયા તથા તેના મિત્ર દિનેશભાઇ પરમાર અને દયાશંકર દીક્ષીતને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દોની ભાષા બોલી એકબીજી જ્ઞાતિ વચ્ચે દુશમનાવટ ઉભી કરવા અને દ્વેષની લાગણીને પ્રોત્સાહન મળે તેવી કોસીશ કરી સુલેહશાંતિનો ભંગ થાય તેવું કૃત્ય આચરેલ બાલુભા હાથલ અને ચેતનભા ભાવસીંગભા માણેક બંને મિત્ર હોય બંનેએ ઓડીયો રોકોર્ડિંગ ફોનમાં કોઈ પણ સાંભળે તો સુલેહશાંતિનો ભંગ થાય તેવી સ્થિતિ સર્જતા આ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ કમલેશભાઈ અને તેના મિત્રોને એકાદ માસ પછી બાલુભાએ આપી અને તેમાં બંને અરજદાર તથા તેના મિત્રોને ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ દુશમનાવટ ઉભી કરવાના ઇરાદે કૃત્ય આચરતા આખરે મીઠાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
નોંધનીય છે કે ચેતન માણેક પાલિકાના સભ્ય છે. તેમણે બે યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપતા આ બાબતે પોલીસવડાને આવેદન પણ પાઠવાયું છે અને ફરિયાદ બાદ કાર્યવાહી ન થતા દલિત સમાજના લોકો ગઈકાલથી દ્વારકા પ્રાંત કચેરીએ ધરણાં પર ઉતર્યા છે અને જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારાય છે.