જામનગર:  જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં કરેલ વિકાસ કાર્યોનું તબક્કાવાર લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આજે એક નંબરના વોર્ડમાં કૃષિ મંત્રી આર.સી. ફળદુની હાજરીમાં ભૂગર્ભ ગટર સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો એક મંચ પર આવી ગયા. પરંતુ સ્થાનિકોએ આ કાર્યક્રમના સ્થળે બેનરો સાથે ઘસી જઈ વિરોધ દર્શાવી રોડ-રસ્તા સહિતના પ્રશ્નો ઉકેલવાની માંગણી કરી વિરોધ દર્શાવતા રંગે ચંગે આગળ વધતો કાર્યક્રમ ફીકો પડી ગયો હતો.

લોકસભાની ચૂંટણી પૂર્વે બાકી રહેતા અને કાર્યાન્વિત થયેલા તમામ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી દેવા સરકાર દ્વારા રાજ્યભરમાં સુચના આપી દેવામાં આવી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ જુદા જુદા વિકાસ કાર્યોનું આજે કેબીનેટ કૃષિ મંત્રી આરસી ફળદુ અને સ્થાનિક મહાપાલિકાની ભાજપાની બોડી દ્વારા લોકાર્પણ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. આજે બપોર બાદ જુદા જુદા વોર્ડમાં ગાર્ડન, સીસી રોડ અને ભૂગર્ભ ગટરના કામોનું લોકાર્પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર એકમાં જુમ્મા મસ્જીદ ચોક ખાતે કેબીનેટ કૃષિ મંત્રી આર.સી. ફળદુની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. અહી તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર યોજના હેઠળ સીવર કલેક્શન સીસ્ટમ અને હાઉસ કલેક્શન નેટવર્કના કામને પૂર્ણ કર્યું છે. આ કામનું ખાત મુર્હુત જે સ્થળે યોજાયું હતું ત્યાં એકાએક બેનરો સાથે સ્થાનિક નાગરિકો ઘસી આવ્યા હતા. આઝાદી બાદ અહી પ્રાથમિક સુવિધાને લઈને કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી, નથી રોડ-રસ્તા કે નથી ગટરનું આયોજન , એવી માંગ અને સુત્રોચ્ચાર સાથે સ્થાનિકોએ સુત્રોચ્ચાર કર્યો હતો. નાગરિકોના આક્રોશને લઈને સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન આગળ આવ્યા હતા અને નાગરીકોએ આપેલ આવેદન સ્વીકારી કામ કરવાની ખત્રી આપી હતી. બીજી તરફ આ વોર્ડના બે નગરસેવક ભાજપમાં ભળી જતા નાગરીકોને પોતાની સાથે દ્રોહ થયો હોય તેવી લાગણી થતા મંત્રીની હાજરીમાં જ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તો વિપક્ષમાં રહેલ નગરસેવક કાસમ ખફીએ ભાજપના વિકાસ કાર્યોના વખાણ કરતા સ્થાનિક નાગરિકોને આશ્ચર્ય થયું હતું.