જામનગરના એસ.ટી. ડિવિઝનમાં વર્કશોપ અધિક્ષક નશાની હાલતમાં ઝડપાયા
જામનગર મોર્નિંગ - જામનગર ,તા.૧૩ : જામનગરના એસ.ટી. ડિવિઝનમાં વર્કશોપ અધિક્ષક તરીકે ફરજ બજાવતા અધિકારી વિરૃદ્ધની અરજીની તપાસમાં ગયેલી પોલીસને આ અધિકારી નશાની હાલતમાં સાંપડયા હતા. વિવાદિત રીતે જામનગર બદલી પામેલા આ અધિકારી ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
મળતી વિગત મુજબ જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા એસ.ટી. ડિવિઝનના વર્કશોપમાં ગઈકાલે બપોરે સિટી-એ ડિવિઝનના સ્ટાફે એક અરજીના અનુસંધાને ત્યાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા રમેશ વાલસીંગ માલીવારનું નિવેદન લેવા એન્ટ્રી કરી હતી. આ વેળાએ વર્કશોપના સુપરવાઈઝર રમેશ માલીવાર નશાની હાલતમાં પોતાના કવાર્ટર નં.બી/૩માંથી મળી આવ્યા હતા. પોલીસે તેઓની સામે દારૃબંધી ભંગનો ગુન્હો નોંધી તેઓની અટકાયત કરી છે. આ મુદ્દે વધુ જાણવા મળ્યા મુજબ આ અધિકારી સામે જામનગર એસ.ટી. ડેપોના વિભાગીય અધિકારી રાવલે પોલીસમાં અરજી કરી હતી તેની તપાસ માટે ગઈકાલે જ્યારે પોલીસ કાફલો રમેશ માલીવારના કવાર્ટર પર પહોંચ્યો ત્યારે આ અધિકારી નશામાં ઝૂમતા મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ અધિકારી સામે તેઓ જ્યારે ભાવનગરમાં ફરજ બજાવતા હતા ત્યારે તેઓએ એક સાથી મહિલા કર્મચારી સાથેની કેટલીક વાતચીતની ક્લિપ પણ વાયરલ કરી હતી જેની અરજી થયા પછી સજારૃપે આ અધિકારીને જામનગર મૂકી દેવામાં આવ્યા હતા જ્યાંથી તેઓ ગઈકાલે પીધેલી હાલતમાં પકડાઈ ગયા છે.