જામનગર મોર્નિંગ : સંઘર્ષ અને સફળતાનાં બે વર્ષ

જામનગર મોર્નિંગ : બે વર્ષ પહેલાં બરાબર આજનાં દિવસે એટલે કે તા.૧૪/૧૨/૨૦૧૬થી જામનગર મોર્નિંગ દૈનિક પેપરની શરૂઆત જામનગરથી કરવામાં આવી, એ સમયે જામનગરનું પોતાનું સવારનું કોઈ અખબાર ના હતું , હા સાંજના ઘણા ખરા હતા અને છે.
જામનગર મોર્નિંગ પેપરની શરૂઆત પહેલાની કડીઓ જોઈએ તો અમે અત્યારના ભાગીદારો એકબીજાને ત્યારે ઓળખતા પણ ના હતા. સંજોગોવશાત સોસીયલ મેડીયાના માધ્યમ અને ટેલિફોનિક વાતથી અમે રૂબરૂ મળ્યા અને નક્કી કર્યુ કે જામનગરમાં એક દૈનિક પેપર એ પણ સવારનું શરૂ કરવું બસ એજ એક કલાકની ટૂંકી મુલાકાત દરમ્યાન અમે પેપર ચાલુ કરવાની ફાઇનલ વાત પર આવી ગયા. અને બીજી મિટિંગ અમારી થઇ ત્યાં સુધીમાં તો પેપરનું નામ અને ટાઇટલ અમે મેળવી લીધું હતું. હકીકતમાં ત્યારે અમે રોકાણનો લાંબા ગાળાનો અંદાજ પણ વ્યવસ્થિત લગાવી શકયા નહોતા અને અમારી પરિસ્થિતિ ત્યારે ૨-૨ લાખ રોકાણ કરી શકયે એટલી પણ માંડ હતી.

        ૧૪ ડીસેમ્બર ૨૦૧૬ના દિવસે જામનગરની વિકલાંગ બાળકોની સંસ્થા દ્વારા જામનગર - દ્વારકાના રાજકીય, સામાજિક,ઔદ્યોગિક આગેવાનોની ઉપસ્થિતિમાં પેપરનું લોંચીંગ કરવામાં આવ્યું. શરૂઆતના દિવસોમાં પણ જામનગરના લોકો તરફથી ખુબ સહકાર મળ્યો પણ પેપર ચલાવવાનું અમારે હતું લોકોએ અમારા પર વિશ્વાસ મુક્યો તે ટકાવી રાખવાની જવાબદારી અમારી હતી.

        હવે શરૂઆત થઇ અમારી સફરની ૭ થી ૮ લોકોનો ટુંકો સ્ટાફ દરરોજ સવાર થી સાંજ સુધીમાં સમાચાર મેળવવા જામનગર સહીત ગ્રામ્ય વિસ્તારમાં પેપર પહોચાડવું. રાત્રે ૩ વાગ્યા સુધી કામ કર્યા પછી પણ વહેલી સવારે તમામ તાલુકા મથકે પેપર પહોચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનનું મેનેજ કરવું. થાક અને નીંદર જાણે અમારી જીંદગીમાંથી ગાયબ થઇ ગયા હોય એ રીતે સતત જુસ્સા અને ઝનુનમાં અમે નિષ્પક્ષ કામ કરતા રહ્યા. અમે છાતી ઠોકીને કહી શકીએ કે સવારે તમે જામનગર મોર્નિંગ પેપર હાથમાં લઈને એવું કહી ના શકો કે કોઈને બ્લેઈક મેઈલ કરવા કે કોઈ રાગદ્વેષમાં કોઈ સ્ટોરી હોય છતાં કોઈ સમાચાર છુપાવ્યા હોય એવું પણ ના બની શકે. અને સાથે - સાથે જામનગર - દ્વારકા જીલ્લાની કોઈ સમસ્યા હોય ત્યારે નીડર અને નિષ્પક્ષ પણે અમે તંત્રનું ધ્યાનદોરવાનો પ્રયાસ કર્યો છે. જામનગર - દ્વારકાના સારા - નરસા તમામ પ્રસંગોનું અમે કવરેજ કરતા આવ્યા છીએ છતાં પણ ક્યાય કોઈ ચૂક રહી ગઈ હોય તો આજે જાહેર માફી માંગીએ છીએ. આ સફરમાં અમને સાથ આપનાર અમારા સ્ટાફ, પત્રકાર - પ્રતિનિધિઓ, વિજ્ઞાપનદાતા, વાચકવર્ગ સહીત સમગ્ર લોકોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સાથે વિશ્વાસ પણ આપીએ કે આપણી મહેનતથી આ સફર રંગ લાવશે. 

        આ બે વર્ષની સફરમાં અનેક મુસીબતો અને મુશ્કેલીઓનો સામનો કરીને અમે અમારી મંઝીલ તરફ લાંબી છલાંગ લગાવી છે. દરરોજના ૧ હજાર વાચક વર્ગમાંથી અમે ૨૦ હજાર વાચક સુધી પહોચ્યા છીએ. હા અમારી હાર્ડ કોપી દરરોજની ૫ હજારથી ઉપર નથી લઇ શકયા પણ સોસીયલ સાઈટના માધ્યમોથી વાચકવર્ગ બહોળો બનાવવામાં સફળ રહ્યા છીએ ત્યારે આજે ૨ વર્ષની સફળતાની ઉજવણી કરતા વધારે અમે સંઘર્ષની ઉજવણી કરી રહ્યા છે.

        આમ પણ કોઈપણ પેપર લગભગ ૫ - ૭ વર્ષે કાઠું કાઢતું હોય છે એની સામે અમે ૨ વર્ષમાં ઘણી ખરી સફર પાર કરી લીધી છે. આ કોઈ અમારી જાતે અમારા વખાણ નથી. પણ આ અમારી વાસ્તવિકતા છે જે અમે મહસૂસ કરી છે. બસ હજી શરૂઆત છે ઉડાન તો પૂરી અભી બાકી હૈ.