જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરમાં એક બ્રાસપાર્ટના વેપારી સાથે આજથી ત્રણ વર્ષ પહેલા છેતરપીંડી કરવા અંગેના પ્રકરણમાં નાસ્તા ફરતા મૂળ પંજાબી શખ્સને છત્તિસગઢમાંથી ઝડપી લીધો છે અને સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં રજૂ કરી રિમાન્ડ પર લેવાયો છે. આરોપી સામે જામનગરની અદાલતમાં એકથી વધુ ચેક રિટર્નની ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે. 
જામનગરના બ્રાસપાર્ટના વેપારી ધનેશકુમાર ત્રિવેદીએ પંજાબની લાઇટનીંગ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીમાં આજથી ત્રણ વર્ષ પહેલા 2015ની સાલમાં બ્રાસપાર્ટનો માલ સમાન સપ્લાય કર્યો હતો જેની અનેક વખત ઉઘરાણી કરવા છતાં પંજાબની પેઢીના ડાયરેક્ટર વીનયકુમાર ગુપ્તા સમક્ષ પૈસાની માંગણી કરવા છતાં કોઈ રકમ નહીં આપતા જામનગરના વેપારી દ્વારા 2015ની સલમા સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં પંજાબના વેપારી સામે છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને જામનગર પોલીસ દ્વારા તપાસનો દોર છેક પંજાબ સુધી લંબાવાયો હતો પરંતુ તે ત્યાથી પણ ભાગી છૂટ્યો હતો. જેની સામે જામનગરના અન્ય કેટલાક વેપારીઓ પણ છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવી છે અને અદાલતમાં કેસ ચાલી રહ્યા છે. દરમ્યાન જામનગર પોલીસ દ્વારા નાસ્તા-ફરતા આરોપીઓને પકડવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી. જેના ભાગ રૂપે ઉપરોક્ત ફરારી આરોપી વિનય કુમાર ગુપ્તાની તપાસ કરાવતા પોતે છત્તિસગઢમાં સંતાયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી જામનગર પોલીસે તપાસનો દોર છતીસગઢ સુધી લંબાવી આરોપી વિનયકુમાર ગુપ્તાને ઊંઘતો ઝડપી લીધો હતો જેને જામનગર લઇ આવ્યા પછી અદાલત સમક્ષ રજૂ કરી ત્રણ દિવસની રિમાન્ડ પર લીધો છે. તેની સામે ચેક રિટર્ન     અંગેની બીજી ફરિયાદો પણ નોંધાયેલી છે. જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.