ઠેબામાં બાંધકામના સ્થળે સરપંચ સહિત આઠ શખ્સ દ્વારા તોડફોડ-નુકશાની 
જગ્યા ખાલી કરવાનું જણાવી ધમકી આપતા પ્રૌઢ દ્વારા ફરિયાદ નોંધાવાય 
જામનગર મોર્નિંગ - જામનગર   
જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા એ ખેડૂત પ્રૌઢના બાંધકામના સ્થળે ગામના ઉપસરપંચ સહિત આઠ જેટલા શખ્સોએ ભાંગતોડ કરી નુકશાની પહોંચાડવા અંગે અને જગ્યા ખાલી કરવા પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ઠેબા ગામના ઉપસરપંચ સહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં ચકચાર જાગી છે ગ્રામજનો ફરિયાદીની જમીન ગૌશાળામાં ભેળવી દેવા માંગતા હોવાથી બંને પક્ષે તકરાર થતા તોડફોડ કરાઈ હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. 
મળતી વિગત મુજબ ઠેબા ગામમાં તાલુકા શાળાના પાછળના ભાગે રહેતા જયકુમાર બકુલભાઈ અગ્રાવતે પોતાની જગ્યામાં આવી દીવાલ અંગેનું બાંધકામ તોડી નાખી સિમેન્ટની થેલીઓ ઉપર પાણી છાંટી દઈ પ્લાસ્ટિકના પાણી ભરવા માટેના ચાર બેરલો ના પાણી ખાલી કરી સળગાવી નાખી પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ રૂ. ત્રીસ હજારની માલમતાને નુકશાન પહોચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. 
જેમાં આટોપીઓ તરીકે ઠેબા ગામના સરપંચ કૈલાસ કેશવજીભાઇ સંઘાણી, ઠેબા ગામના ઉપસરપંચ જતીન કાનજી મુંગરા, સુરેશ નારણભાઇ સંઘાણી, તુલસી બાવજી મુંગરા, લવજી જેસાભાઇ, સાગર મનસુખભાઇ મુંગરા, અરવીંદ રતિલાલ મુંગરા અને નરેશ પરસોતમભાઇ મુંગરા સામે આઇપીસી કલમ 435, 427, 506(2) અને 34 મુજબ ગુન્હો નોંધી તપ્પસ શરૂ કરાઈ છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની વારસાઈ જમીનમાં મકાનનું રિનોવેશનનું કામ ચાલતું હતું જયારે ગ્રામજનો આ જમીન ગૌ શાળામાં ભેળવવા માંગતા હોવાથી જેનો વિરોધ કરતા તમામ ઉશ્કેરાયા હતા અને તોડફોડ અને આગ ચાંપી કરી નુકશાન પહોચાડયાની ફરિયાદ નોંધાવાઈ છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે બનાવના સ્થળે પહોંચી જઈ વિશેષ તપાસ શરૂ કરી છે.