જામનગરમાં વધુ એક વખત વીજ ચેકીંગનો ધમધમાટ
જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૩: જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની કચેરીના અધિકારીઓની બત્રીસ ટૂકડીઓએ આજ સવારથી વધુ એક વખત નગરમાં વીજ ચેકીંગ આરંભ્યું છે. વહેલી સવારે આ ટૂકડીઓ બેડીથી માંડીને પાંચ હાટડી સહિતના વિસ્તારોમાં વીજચોરોને પકડવા માટે ધસી ગઈ છે.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત આજથી વધુ એક વખત વીજચોરોને પકડી પાડવા માટે ચેકીંગ કાર્યવાહીનો આરંભ કર્યાે છે. જામનગર પીજીવીસીએલના જામનગર સર્કલના સિટી-૧ ડિવિઝન હેઠળ આવતા પટેલ કોલોની સબ ડિવિઝન ઉપરાંત દરબારગઢ તથા સાત રસ્તા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ થતાં ધરારનગર, બેડીબંદર રોડ, બેડેશ્વર, આવાસ તેમજ પટેલ કોલોની અને સાત રસ્તા સબ ડિવિઝનના કેટલાક વિસ્તારો તથા દરબારગઢ સબ ડિવિઝનમાં આવતા કુંભારવાડા, દરબારગઢની આજુબાજુના વિસ્તારોમાં ચેકીંગ માટે સ્થાનિક અધિકારીઓની બત્રીસ ટૂકડીઓ આજ સવારથી કામે વળગી છે. આ ટૂકડીઓની સુરક્ષા માટે સ્થાનિક પોલીસના પંદર જવાનો તેમજ અઢાર એક્સ આર્મીમેનને સાથે રાખવામાં આવ્યા છે. વહેલી સવારથી શરૃ કરાયેલી આ કામગીરીના પગલે વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.