જામનગર મોર્નિંગ - 7/1 જામનગર : જામનગર નજીક દરેડમાં જીઆઇડીસીમાં જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસીએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં 20 વર્ષના લાંબા સમયગાળા પછી પરિવર્તન આવ્યું છે. કાર્યવાહક વિકાસ પેનલનો પરાજય થયો છે જ્યારે પરિવર્તન પેનલનો વિજય થયો છે. 
જામનગર નજીક જી.આઈ.ડી.સી.માં 21 સભ્યોની કારોબારી સમિતિની ચૂંટણી યોજાઈ હતી. જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસીએશન 1998ની સાલથી કાર્યરત છે અને વિકાસ પેનલનું નેતૃત્વ કરનારા દિનેશભાઇ ભીમજીભાઈ ચાંગાણી દ્વારા કારોબારીના 21 સભ્યોને ચૂંટણી માટે ઉભા રાખ્યા હતા જ્યારે સામા પક્ષે 21 સભ્યોની પરિવર્તન પેનલે પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
રવિવારે સવારે નવ વાગ્યે મતદાનની પ્રક્રિયા ગરમ થઇ હતી અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં 95 ટકા જેટલું ભારે મતદાન થયું હતું અને સાંજે 6 વાગ્યા પછી મતગણતરીનો પ્રારંભ થયો હતો જેમાં 20 વર્ષ પછી સતા પરિવર્તન માટેનું પરિણામ આવ્યું હતું અને પરિવર્તન પેનલનો વિજય થયો હતો. પરિવર્તન પેનલને 422 માંથી 377 મત મળ્યા હતા જયારે વિકાસ પેનલને 223 માંથી 195 મત મળ્યા હતા અને આખરે જીઆઇડીસી રવિવારે 20 વર્ષ પછી સતા પરિવર્તન આવ્યું છે. જે પરિણામથી સતાધારી પેનલમાં સનાટો છવાયો છે. પરંતુ પરિવર્તન પેનલમાં ખુશીની લ્હેર દોડી ગઈ છે અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.