જામનગર મોર્નિંગ - જામનગર :જામનગરના એગ્રોના એક વેપારી પાસથી રૂ. 2.90 લાખની મશીનરી વગેરે લઈને વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી ચાર માસ પહેલા ફરાર થઇ ગયેલા ભાવનગર પંથકના આરોપીને જામનગરની સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે અને વિશેષ પુછપરછ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં કે.વી. રોડ પર આવેલી ક્રિષ્ના એગ્રો એજન્સી નામની દુકાનમાંથી ભાવનગર જિલ્લાના વલ્લભી પુર તાલુકાના પાનવી ગામના ગુણવંત ભુપતભાઇ મેર નામના શખ્સે વિશ્વાસમાં લઇ પાક છાંટવાના બેટરી વાળા રૂ. 2.90 લાખની કિંમતના પમ્પ ઉધારમાં ખરીદ કરી લઇ જઈ નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જેથી ગુણવંત મેર સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આજથી ચાર મહિના મહિના પહેલા છેતરપીંડી અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત આરોપી છેલ્લા ચાર માસથી નાસ્તો ફરતો હતો જેને ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે શોધી કાઢ્યો છે અને સીટી બી ડિવિઝન પોલીસ મથકે લઇ આવી વિશેષ પુછપરછ હાથ ધરી છે.