જામનગર મોર્નિંગ - જામનગર૧૦/૧ : જામનગર મહાનગરપાલીકા દ્વારા નવા ભડેલા વિસ્તારોમાં મિલ્કત વેરા તેમજ વોટર ચાર્જીસ વગેરેના બીલો ફટકારવામાં આવ્યા હતા જે બિલ ભરવા માટે વિરોધ પક્ષ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયા પછી આખરે જામ્યુકો દ્વારા નવા ભડેલા વિસ્તારના અંદાજે 70372 આસામીઓને તેની બાકી રોકાતી 107 કરોડની વેરાની રકમની ભરપાઈ કરવા માટે 10% રીબેટની યોજના ચાલુ કરાઈ હતી જેની મુદત આગામી 14 તારીખે પૂર્ણ થાય છે જે મુદત દરમ્યાન 3716 આસામીઓ દ્વારા 50 લાખ 73 હજારની રકમ ભરપાઈ કરી દેવાઈ છે જયારે ગઈકાલે મળેલી સ્ટે. કમીટીની મિટિંગમાં રીબેટ યોજનાની મુદતમાં 15 દિવસનો વધારો કરાયો છે. 
જામનગર મહાનગરપાલીકાની મિલ્કત વેરા શાખા દ્વારા નવા ભડેલા વિસ્તારોમાં બાકી વેરો ભરવા માટે રીબેટ યોજના અમલમાં મુકાઈ હતી. 15 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધીના સમયગાળામાં જે મિલ્કત ધારકો બાકી વેરાની રકમ ભરપાઈ કરી જાય તેઓને 10% રીબેટ આપવાનું જાહેર કરાયું હતું જે અનુસાર 8 જાન્યુઆરી સુધીમાં કુલ 3716 મિલ્કત ધારકોએ 50 લાખ 73 હજાર 526 રૂપિયાનો બાકી વેરો જમા કરાવી દીધો છે. જેઓને 6 લાખ 4 હજારનું રીબેટ અપાયું છે. તેમજ નળ વેરાન 44 બાકીદારોએ 2 લાખ 90 હજાર 319 રૂપિયા ભરપાઈ કર્યા છે જેઓને 14671 રૂપિયાનું રીબેટ અપાયું છે, નવા ભડેલા વિસ્તારમાં કુલ 70372 બાકીદારોને 107 કરોડની વેરાની રકમ બાકી હોવાથી રીબેટ યોજનાની મુદતમાં વધારો કરાયો છે. ગઈકાલે મળેલી સ્ટે. કમીટીની બેઠકમાં વધુ 15 દિવસ માટે એટલે કે 30 જાન્યુઆરી સુધીની મુદત લંબાવી દેવામાં આવી છે.