જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓની ઝેરી દવા પી આત્મહત્યા
સમગ્ર જિલ્લામાં અરેરાટી ભર્યા બનાવની ચર્ચા : જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો : આર્થિક સંકળામણના કારણે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું : પોલીસ દ્વારા જીણવટભરી તપાસનો ધમધમાટ : માતા, પુત્ર, પુત્રવધુ, પૌત્ર અને પૌત્રીનો સમાવેશ 



જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેરના કિશાનચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના માતા, પુત્ર, પુત્રવધુ, પૌત્ર અને પૌત્રીએ ઝેરી દવા પી જીવનલીલા સંકેલી લઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર જિલ્લામાં આ બનાવથી અરેરાટીનો માહોલ ફેલાયો છે. આ બનાવની જાણ થતા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ બનાવની જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. પાંચેય વ્યક્તિઓને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. રાત્રીના સમયે આ પરિવારે દવા પીધી હોવાનું ચર્ચાય રહ્યું છે. જયારે અરેરાટી ભર્યા આ બનાવે શહેર ભરમાં ભારે ચર્ચા જગાવી છે. 
મળતી વિગત મુજબ જામનગરના કિશાનચોક વિસ્તારમાં આવેલ મોદીનો વાડો બ્લોક નં.7 ખાતે રહેતા જયાબેન પનાલાલ સાકરીયા (ઉ.વ.70), આરતીબેન (ઉ.વ.32), દીપકભાઈ સાકરીયા (ઉ.વ.35), કુમકુમ (ઉ.વ.10) અને હેમંત (ઉ.વ.5) નામના એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ ઝેરી દવા પી લેતા તમામને 108 દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે તાબડતોબ સારવારમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ એક જ પરિવારના આ પાંચેય વ્યક્તિના મોત થતા જામનગર શહેર જિલ્લામાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ, સીટી એ ડિવિઝન પીઆઇ કે.કે. બુવડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જુદી-જુદી દિશામાં આ અરેરાટી ભર્યા બનાવની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતક દીપકભાઈ સાકરીયા ફરસાણનો ધંધો કરતા હોય તેઓએ તથા પત્નિ આરતીબેન માતા જયાબેન અને દીપકભાઈને બે સંતાન કુમકુમ અને હેમંત વિગેરેએ ઝેરી દવા ગટગટાવી મોતને મીઠું કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગતો અનુસાર દીપકભાઈ સાકરીયા છેલ્લા થોડા સમયથી આર્થિક સંકડામણના કારણે મુંજવણમાં હોય દરમ્યાન પરિવાર સાથે પગલું ભરી લીધાનું ચર્ચાય રહ્યું છે. બીજી તરફ સ્થળ પર દોડી ગયેલ પોલીસે ઝેરી દવાની સીસીઓ કબ્જે કરી આજુબાજુના રહેવાસીઓના નિવેદનો નોંધવા સહિતની કાર્યવાહી આગળ ધપાવી છે.આજે નવાવર્ષના પ્રારંભે જામનગર શહેરમાં એક જ પરિવારના આ પાંચેય વ્યક્તિઓ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લેતા તેમજ મૃતક દીપકભાઈને એક ભાઈ રાજકોટ આશ્રમમાં રહે છે અને તેમના પિતા ગોરધનદાસ જયારે પરિવારે સામુહિક દવા પી આપઘાત કર્યો ત્યારે તેવો ઉપરના રૂમમાં હોવાથી આ પરિવારના બે સભ્યોનો બચાવ થયો હતો.  સમગ્ર હાલારમાં આ બનાવે શોકનું મોજું પ્રસરાવી દીધું છે. જોકે, વાસ્તવમાં આર્થિક સંકડામણના કારણે આ બનાવ બન્યો છે કે પછી અન્ય કોઈ બનાવ પાછળ કારણ છે? એ તો પોલીસ તપાસ દરમ્યાન બહાર આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.