મોડીરાત્રે ફરીથી વેપારીના ઘેર જઈ રિવોલ્વર તાકી હોવાનો આક્ષેપ : હવાઈચોકના તમામ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ : એસપી અને કલેક્ટરને રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું 

જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરના હવાઈચોક વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક નામચીન શખ્સે નાસ્તાની રેંકડી પાસે જઈને નાસ્તા કરવા બાબતે બોલાચાલી કર્યા પછી ધમાલ મચાવી હતી જેથી મામલો બિચક્યો હતો અને લોકોના ટોળા એકત્ર થઇ જતા તેમજ પોલીસ આવી જતા નામચીન શખ્સ પલાયન થયો હતો પરંતુ ફરીથી વેપારીના ઘર પાસે પોતાના ત્રણ સાગરીતો સાથે પહોંચ્યો હતો અને રિવોલ્વરની અણીએ ધાકધમકી આપી હોવાનો આક્ષેપ કરાયા પછી ફરીથી પોલીસ કાફલો પહોંચી ગયો હતો દરમ્યાન ગઈકાલે હવાઈચોક વિસ્તારના તમામ વેપારીઓએ બંધ પાડ્યો હતો અને રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી નામચીન શખ્સ સામે પગલાં ભરવા માંગણી કરી છે. જો કે, જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે ચોક્કસ કાર્યવાહી થશે તેવી ખાત્રી આપતા વેપારીઓ પોતાના ધંધા વેપારો રાબેતા મુજબ શરૂ કરી દીધા છે. 
મળત વિગત મુજબ જામનગરના હવાઈચોક જેવા સતત ધમધમતા વિસ્તારમાં ગઇરાત્રે બબાલ સર્જાઈ હતી રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં નામચીન ગુન્હેગાર ઇકબાલ ઉર્ફે બાઠીયો હવાઈચોકમાં આવ્યો હતો અને ત્યાં નાસ્તાની રેંકડી તેમજ દુકાન ચલાવતા મિલન શશીકાંત હંજડા સાથે બોલાચાલી કરી હતી આ સમયે કેટલાક લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવતા નામચીન શખ્સ ત્યાંથી પોબારા ભણી ગયો હતો પરંતુ તેણે ફરીથી પોત પ્રકાશ્યું હતું.
દુકાનદાર મિલન હંજડા રાત્રીના બારેક વાગ્યા આસપાસ પોતાના ઘેર કિશાનચોક વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં ઇકબાલ બાઠીયો તેના અન્ય ત્રણ સાગરીતો સાથે ફરીથી આવી ચડ્યો હતો અને પોતાના કબ્જામાંથી રહેલી રિવોલ્વર તાકી વેપારીને ધાકધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરતા એલસીબી તેમજ સીટી એ ડિવિઝનનો પોલીસ કાફલો ફરીથી કિશાનચોક વિસ્તારમાં દોડી આવ્યો હતો. જ્યાંથી પણ નામચીન શખ્સ તેના ત્રણ સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો જેથી રાત્રી દરમ્યાન મામલો થાળે પડ્યો હતો પરંતુ આજે સવારે ઉપરોક્ત બનાવના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે હવાઈચોક વિસ્તારના તમામ વેપારીઓ પોત-પોતાના વેપાર ધંધા બંધ રાખી માથાભારે શખ્સ સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે તમામ વેપારીઓ દ્વારા રેલી યોજી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે જયારે નામચીન શખ્સ ઇકબાલ બાઠીયા સામે ગુન્હો દાખલ કરી કડક પગલાં ભરવાની પણ માંગણી કરી છે. 
દરમિયાન ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા આજ સવારે હવાઈચોક ખાતે વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે પણ હવાઈચોક વિસ્તારની આજ સવારે મુલાકાત લઇ વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ આ પ્રકરણમાં યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાત્રી આપતા વેપારીઓ દ્વારા આવેદન આપવાનું મુલત્વી રાખવામાં આવ્યું હતું અને વેપારીઓએ પોતાના ધંધા વેપારો રાબેતા મુજબ શરૂ કરી દીધા હતા.