રસ્તાની તસ્વીર
જામનગર મોર્નિંગ - ખંભાળીયા ૧૦/૧ : ખંભાળીયામાં શહેરીજનોને રસ્તા બાબતે ક્યારેય પણ પૂર્ણ સુવિધા પ્રાપ્ત થઇ નથી. ખંભાળીયાની જનતાની એ કમનશીબી છે કે સરકાર દ્વારા આમ જનતાની સુવિધા માટે કરોડો રૂપિયા આપવામાં આવે છે પરંતુ જવાબદાર તમામ તંત્રોની અપાર દર્શકતાના કારણે માર્ગોની બાબતમાં "એક સાંધે ત્યાં તેર તૂટે" તેવી દશા છે.
અહીં શહેરી વિસ્તારમાં આવેલ તાલુકા શાળા નં.2 તાલુકા પંચાયત આગળના મુખ્ય માર્ગોની સ્થિતિ માનવ સર્જીત બાણ શૈયા જેવી છે ખંભાળીયામાં વર્ષો પૂર્વે નિષ્ફ્ળ ગટર યોજના માટે ખોદવામાં આવેલ પાઇપ લાઈન ના ખાડાઓમાં ધુળ નાખી બુરવામાં આવ્યા હતા. દરમ્યાન ધુળનું ધોવાણ થવાથી ખાડાઓ વધુ ઉંડા ઉતરતા તે લાંબા ખાડાઓમાં પથ્થરના મોટા કપચા નાખી બુરવામાં આવ્યા છે જેથી રાહદારીઓ તથા વાહન ચાલકો માટે વધુ પરાકાષ્ઠા સર્જતી સ્થિતિ સર્જાય છે. 
કોઈ તટસ્થ એન્જીનીયરનો અભિપ્રાય જાણવામાં આવે તો આવા કપચાથી પગમાં છાલા પડવા અને વાહનોમાં પંચર થવાની સ્થિતિ નિર્માણ થઇ શકે છે. ઘણા લાંબા સમય સુધીની આ સ્થિતિ છતાં આ માર્ગો પર પેચીંગ વર્ક કરવામાં આવતું નથી પરિણામે લાંબા સમયથી આ કઠોરતા વાહન ચાલકો તથા રાહદારીઓએ સહન કરવાની થાય છે.
અહીં આડા અવડા સાંકડા માર્ગો વચ્ચે લાંબા પાટા જેવા ખાડાઓ જેમાં છલોછલ ભરેલા કપચાઓ ઉપરથી નાના મોટા વિધાર્થીઓ કે વિધાર્થીઓએ પગે ચાલીને કે સાઇકલથી આ બાણશૈયા જેવા માર્ગો કઈ રીતે પસાર કરવા તેની નાજૂક બાળકોમાં ચિંતા છે. પરંતુ જવાબદાર છતાં બેખબર તંત્રના દિલમાં નથી દયા કે દિમાગ માં નથી ચિંતા આ માર્ગોના પેચીંગ કામ માટે કોની રાહ જોવાય છે. કોઈ વિધાર્થી કે રાહદારીઓને અકસ્માતની કે કોઈ સ્ટેટ કેટેગીરીના નેતાજીની પધરામણીની જવાબદાર તંત્રની બેદરકારીનો આ જીવંત પુરાવો છે.