જામનગરના એસટી ડેપો રોડ પર આવેલ
બનાવ કેમેરામાં કેદ : પૈસાની લેતીદેતીના મામલે ખુની ખેલ ખેલાયો : મૃતકનો પરિવાર હતપ્રભ : એસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરમાં એસટી ડેપો જેવા ભરચક્ક વિસ્તારમાં એક શોપીંગ સેન્ટરમાં આવેલી કુરિયર્સ અને કાર્ગો સર્વીસની ઓફિસમાં રંકરંજીત ઘટના બની છે અને એક યુવાનનું કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. પૈસાની લેતીદેતીના મામલે હત્યારા શખ્સે કુરિયરની પેઢીના સંચાલક ઉપર છરીના ઉપરા છાપરી ઘા ઝીકી દઈ હત્યા નિપજાવી ફરાર થયો હતો સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ છે ઉપરાંત અન્ય એક વ્યક્તિની હાજરીમાં ઘટના બની છે જે નજરે જોનાર સાક્ષીના આધારે ઘટના સ્થળે દોડી ગયેલા જિલ્લા પોલીસવડા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરના એસટી ડેપો રોડ જેવા ધમધમતા વિસ્તારમાં મંગળવારે રાત્રે એક શોપીંગ સેન્ટરની ઓફિસમાં ખુનીખેલ ખેલાયો હતો. રાજવીર કોમર્શીયલ કોમ્પલેક્ષની આઠ નં. શોપમાં ઓરેન્જ ઇન્ટર નેશનલ કુરીયર એન્ડ કાર્ગો સર્વીસ નામની ઓફિસમાં રાત્રીના દસેક વાગ્યાના અરસામાં હત્યાની ચકચારી ઘટના બની હતી. કુરીયરની ઓફિસ ધરાવતા ડેનિશ બાબુભાઇ બાવરીયા નામના 41 વર્ષના પટેલ યુવાન ઉપર છરીના ઘા ઝીકી દઈ નિર્મમ હત્યા નિપજાવાઇ હતી. મૃતક યુવાન ડેનીશ બાવરીયા રાત્રે દસેક વાગ્યે પોતાની ઓફિસમાં પોતાની ખુરશી ઉપર બેઠો હતો જે દરમ્યાન હરદેવસિંહ નામનો શખ્સ તેની ઓફિસમાં ઘસી આવ્યો હતો અને પૈસાની લેતીદેતીના મામલે રકઝક કરી હતી ત્યાર પછી ડેનીશ બાવરીયા પોતાની ખુરશી ઉપર બેઠો હતો ત્યાંજ છરી વડે હુમલો કરી દેતા ખુરશી ઉપર ઢાળી પાડ્યો હતો આ હુમલા સમયે મનીષ નામનો યુવાન ઓફિસમાં હાજર હતો જેને હુમલાખોરે એક જગ્યાએ ઉભા રહેવાનું કહી ધાકધમકી આપી હતી.
ત્યાર પછી પોતે ઓફીસની બહાર છરી સાથે નીકળ્યો હતો અને ત્યાંથી જ પોતે 108 નંબરની એમ્બ્યુલન્સને જાણકારી આપી હતી અને પોતે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. 108 નંબરની ટીમ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી ડેનીશનો મૃતદેહ નિષ્પ્રાણ બની ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ તેમજ એલસીબીની ટીમ અને સીટી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે સૌપ્રથમ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો હત્યાના બનાવની વાત વહેતી થતા આસપાસના લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.
પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો તેમજ બનાવ સમયે હાજર રહેલી વ્યક્તિનું નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી ઉપરાંત હત્યારા શખ્સને પકડવા માટે ચોતરફ નાકાબંધી કરી હતી પરંતુ આરોપી ભાગી છુટવામાં સફળ થયો હતો. હુમલા અને હત્યાની જે ઘટના બની હતી તે ઓફિસની અંદર રહેલા સી સી ટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. પોલીસ દ્વારા સીસી ટીવી કેમેરાના ફૂટેજ મેળવી લઇ તપાસનો દોર આગળ ધપાવ્યો છે આ બનાવ પછી મૃતકના પરિવાર જનોએ ઘટના સ્થળે દોડી આવી હૈયાફાટ રૂદન કર્યું હતું.
જામનગર શહેરમાં એસટી ડેપો વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં ખૂની ખેલનારા આરોપીના આઠ મિનિટથી વધુ સમયના સીસીટીવી ફૂટેજ મેળવી લેવાયા છે જયારે મૃતકના વૃધ્ધ પિતા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પુત્રની હત્યા નિપજાવવા અંગે તેમજ ઓફીસબોયને ધાકધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં એસટી રોડ પર આવેલા રાજવીર કોમ્પલેક્ષની 8 નંબરની શોપમાં મંગળવારે રાત્રે ખુની ખેલના બનાવ અંગે મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. હત્યાનો ભોગ બનનાર ડેનીશ (ઉ.વ.40)ના વૃધ્ધ પિતા બાબુભાઇ મોહનભાઇ બાવરીયા (પટેલ) દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર ડેનીશને પેટના તેમજ હાથ અને બાવળાના ભાગે છરીના ત્રણથી ચાર જેટલા ઘા ઝીકી દઈ નિર્મમ હત્યા નિપજાવ્યા અંગે ઉપરાંત ઓફિસમાં કામ કરતા મનીષ ગોપાલભાઈ ચાવડાને જો ઓફિસની બહાર નીકળશે તો છરી મારી તને પણ પતાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારવા અંગે હિંમતનગર રોડ શેરી નં.5માં રહેતા હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં પૈસાની લેતીદેતીના મામલે આ હત્યા નિપજાવાઈ હોવાનું જાહેર કર્યું છે. જો કે પૈસાનો કોઈ હિસાબ કિતાબ બાબત પોતે કશું જાણતા ન હોવાનું જાહેર કર્યું છે. જેમાં પોલીસે આઇપીસી કલમ 305, 506(2) તેમજ જીપી એક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધ્યો છે અને આરોપીને પકડવા ઠેર-ઠેર દરોડા પાડ્યા છે જેમાં ઓફિસ બોય મનીષભાઈને આસી સાક્ષી બનાવી તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે જયારે ઓફિસમાં આઠ મિનિટ જેટલો સમય આરોપી રોકાયો હતો અને કુરીયર સંચાલક ડેનીશ સાથે તકરાર કરી હતી અને જીવલેણ હત્યા નિપજાવી હતી જેમાં સીસીટીવી ફુટેજ સાથેનું ડીવીઆર પોલીસ દ્વારા કબ્જે કરી લેવાયું છે. ઉપરાંત આરોપી દ્વારા 108ની ટીમને જાણ કરી હોવાથી તે બાબતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક યુવાન ડેનીશ એકનો એક પુત્ર હતો અને પરણિત હતો છેલ્લા 14 વર્ષથી કુરિયર એન્ડ કાર્ગોની ઓફીસ ચલાવતો હતો જેને પણ 15 વર્ષનો પુત્ર છે હત્યાના બનાવ પછી મૃતકના પત્ની અને પુત્રએ કાળજું કંપાએ તેનું રૂદન કર્યું હતું.
0 Comments
Post a Comment